મહારાષ્ટ્રમાં હવે નાના દુકાનદારો માટે પણ મરાઠીમાં નામ લખવાનું ફરજિયાત

હાઈકોર્ટના સ્ટે છતાં લેવાયો નિર્ણય : વીરેન શાહ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : જે દુકાનોમાં દસ કરતા પણ ઓછા કર્મચારી હશે. તેમણે પણ મરાઠી ભાષામાં સાઈન બોર્ડ લખવાનું મહારાષ્ટ્ર સરકારે બુધવારે ફરજિયાત બનાવ્યું હતું. જોકે, વેપારીઓના એક ઍસોસિયેશને કહ્યું હતું કે હાઈ કોર્ટનો સ્ટે ઓર્ડર હોવા છતાં સરકારે આ નિર્ણય લીધો છે.   
પત્રકારોને ઉક્ત માહિતી આપતાં મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈએ કહ્યું હતું કે આ માટે મહારાષ્ટ્ર શોપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન અૉફ એમ્પ્લોયમેન્ટ ઍન્ડ કંડિશન્સ અૉફ સર્વિસ) ઍક્ટમાં ફેરફાર પણ કરાશે. મહારાષ્ટ્ર કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મરાઠી ભાષાનું ખાતું પણ સુભાષ દેસાઈ પાસે છે. 
તેમણે કહ્યું હતું કે સાઈઠીમાં સાઈન બોર્ડ લખવાનું ટાળવા નાના દુકાદારો માટે આ છટકબારી બની ગઈ હતી અને આ છટકબારીને પુરવા કાયદામાં હવે સુધારો કરાશે. સાઈન બોર્ડ પર અન્ય ભાષાના કદ અને આકાર પ્રમાણે જ મરાઠી ભાષામાં નામ લખવું પડશે. 
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રેસિડન્ટ વિરેન શાહે કહ્યું હતું કે સરકારને જો આવો કોઈ ફેરફાર કરવો હોય તો તેમણે પહેલા હાઈ કોર્ટમાં જવું પડશે કારણ કે 2001માં હાઈ કોર્ટે એ સામે સ્ટે આપેલો અને એ સ્ટે હજી કાયમ છે. 
તેમણે કહ્યું હતું કે કોરોનાને કારણે દુકાનદારોને ભારે નુકસાન થયું છે અને સરકારનો આવો નિર્ણય દુકાનદાર વિરોધી ગણાશે. પ્રત્યેક દુકાનદારને સાઈન બોર્ડમાં ફેરફાર કરવા દસથી ત્રીસ હજાર સુધીનો ખર્ચ થશે. દુકાનદારોને મરાઠી ભાષામાં સાઈનબોર્ડ લખવાના રાજકારણથી દૂર રાખવાની સરકારને અમે અપીલ કરીએ છીએ. 
મોટા અને જાડા મરાઠી અક્ષરોમાં સાઈન બોર્ડ લખવાની મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ ઍક્ટમાની જોગવાઈ સામે ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશને હાઈ કોર્ટમાં અરજી કરી હતી.  2001માં હાઈ કોર્ટે સ્ટે આપ્યો હતો અને એને લીધે મુંબઈ પાલિકા અને સરકારે દંડ વસૂલવાનું બંધ કરવું પડ્યું હતું. 
2008મા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોની મરાઠીમાં સાઈન બોર્ડ લખવા બાબતેની હિંસાના મુદ્દે ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશને હાઈ કોર્ટમાં નોટિસ અૉફ મોશન પેશ કરી હતી અને એનો કોર્ટે નિકાલ કર્યો હતો. આને પગલે પાલિકાને એવું લાગ્યું હતું કે હાઈ કોર્ટે ઍસોસિયેશનની 2001ની અરજીનો નિકાલ કરી દીધો છે એટલે એણે દુકાનદારોને મરાઠીમાં સાઈન બોર્ડ લખવા માટે બે મહિનાની મુદત આપી હતી. 
જોકે, પાલિકાને એની ભૂલની ખહર પડતા એણે હાઈ કોર્ટ પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું અને સ્વીકાર્યું હતું કે કોર્ટનો સ્ટે ઓર્ડર હજી યથાવત છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust