કેવાયસી અપડેટના નામે સાયબર ધુતારાઓ લૂંટવાનું કામ કરે છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : કોરોનાને લીધે ફરી એકવાર વિવિધ પ્રતિબંધો અમલમાં આવ્યા છે. અનેક વ્યવહાર અૉનલાઈન કરવા પડે છે. સાયબર ચોર એનો ફાયદો ઊઠાવી રહ્યા છે. નાગરિકોને ફસાવવા માટે કેવાયસી (વ્યક્તિગત વિગતોની નોંધ) અપડેટ કરવાનું કહેવામાં આવે છે. ફક્ત બૅન્ક ખાતા જ નહીં મોબાઈલ સીમકાર્ડ માટે કેવાયસી અપડેટ કરવા માટે  મેસેજ, લિન્ક મોકલવામાં આવે છે અથવા ફોન કરવામાં આવે છે. આવા મેસેજ અને ફોન કૉલ દ્વારા લાખો રૂપિયા બૅન્ક ખાતામાંથી તફડાવવામાં આવે છે. આથી સીમકાર્ડ અપડેટ કરવાનું કહેતો ફોન આવે તો સતર્ક રહેવું, એવું પોલીસ અને મોબાઈલ કંપનીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
સાયબર ચોરો બૅન્ક, મોબાઈલ કંપનીમાંથી તથા જુદી જુદી ઍપના કસ્ટમર કૅર સેન્ટરમાંથી બોલતા હોવાનું કહીને કેવાયસી અપડેટ કરવાના બહાને છેતરપિંડી કરતા હોવાના અનેક બનાવ દિવસે-દિવસે વધી રહ્યા છે. આર્થિક વ્યવહાર અટકી ન જાય, ફોન બંધ થઈ ન જાય અને સમય બચે એ માટે અનેક જણ ફોન પર જ પોતાની વ્યક્તિગત વિગતો આપી દે છે અને સાયબર ચોર એનો જ લાભ લઈ રહ્યા છે.
સાયબર ચોર 100થી 200 લોકોને કેવાયસી અપડેટ કરવાના મેસેજ મોબાઈલ પર મોકલાવે છે. એમાંથી મોટાભાગે મહિલાઓ અને રિટાયર્ડ નાગરિકો બૅન્ક ખાતું બંધ થઈ જશે અથવા ઍપની સેવા બંધ થઈ જશે એ ડરથી મેસેજમાંના નંબર પર સંપર્ક કરે છે અને એમાંથી જ છેતરપિંડીની શરૂઆત થાય છે. બૅન્કખાતા અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ વગેરેની તમામ વિગતો લઈને સાયબર ચોર તેમના એકાઉન્ટમાંથી મોટી રકમ તફડાવી લે છે.
છેલ્લા 15 દિવસની ઘટનાઓ
નાગપાડા : વૉડાફોન કંપનીમાંથી બોલતા હોવાનું જણાવીને કેવાયસીના નામે વેપારી સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી
ઘાટકોપર : રિટાયર્ડ અધિકારી પાસેથી કેવાયસી ઓટીપી લઈને એમના ખાતામાંથી 2.49 લાખ રૂપિયાની ઉચાપત
ગિરગામ : રિલાયન્સ જિઓ કંપનીમાંથી બોલતા હોવાનું કહીને મહિલાને ઍની ડેસ્ક ઍપ ડાઉનલૉડ કરવા જણાવીને 3.95 લાખ રૂપિયાની છેતરપિંડી
ગ્રાન્ટ રોડ : કૉલેજની મહિલા સેક્રેટરીના બૅન્ક ખાતામાંથી 3.80 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા
ગામદેવી : કેવાયસી અપડેટ માટે ટીમ વ્યૂઅર ઍપ ડાઉનલૉડ કરાવીને 80,000 રૂપિયા કાઢવામાં આવ્યા
વડાલા : નૌકાદળના અધિકારીની પત્નીએ કેવાયસી અપડેટ માટે આવેલા ફોનને લીધે 3.38 લાખ રૂપિયા ગુમાવ્યા 
ધ્યાનમાં રાખો કેવાયસી અપડેટના મેસેજમાંના નંબર પર સંપર્ક કરવો નહીં બૅન્ક અથવા જે અૉફિસનો ઉલ્લેખ હોય ત્યાં જાતે જાઓ સમય બચાવવા કોઈપણ માહિતી અૉનલાઈન આપવી નહીં કેવાયસી અપડેટ માટે કોઈપણ લિન્ક પર જવું નહીં ઍની ડેસ્ક, ટીમ વ્યૂઅર જેવી ઍપ ડાઉનલોડ કરવાનું ટાળો કેવાયસી અપડેટ અથવા અન્ય મેસેજ અથવા ફોન દ્વારા આર્થિક છેતરપિંડી થઈ શકે છે એ ધ્યાનમાં રાખો
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer