આઠ કરોડ રૂપિયા નહીં ચૂકવનારાઓની 215 સ્થાવર મિલ્કતો જપ્ત કરાઈ

મીરા-ભાયંદર પાલિકામાં પ્રૉપર્ટી ટૅક્સની વેગવાન વસૂલાત
જીતેશ વોરા તરફથી 
ભાયંદર, તા. 12 : મીરા-ભાયંદર મનપા દ્વારા મનપા આયુક્ત દિલીપ ઢોલેના આદેશ મુજબ જે લોકોની ટૅક્સની મોટી રકમ બાકી હોય તેવા કરદાતાઓની સંપત્તિ જપ્ત કરવાનું ચાલુ કરતા પરિસરમાં સનસની ફેલાઈ છે. આ વિભાગના સહાયક સુદામ ગોડસેના જણાવ્યા મુજબ મોટી રકમ જેમની ટૅક્સ માટે બાકી છે તેવી 215 પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે અને તેની નિલામીનો પ્રસ્તાવ મનપા આયુક્તને મોકલી આપવામાં આવ્યો છે. આ કરદાતાઓ પાસે આઠ કરોડ કરતા પણ વધુ રકમ બાકી હોવાથી તેઓ જો ટેક્સની રકમ ચૂકવી દેશે તો આગળની કાર્યવાહી રોકવામાં આવશે. આ સિવાયના કરદાતાઓની વસૂલી માટે મંગળવારથી તેમના પાણીના જોડાણો કાપવાની શરૂઆત કરવામાં આવશે. 
મીરા-ભાયંદરમાં કુલ 3.68 લાખ કરદાતાઓ છે, જેમાં 3.65 લાખ રહેવાશી કરદાતાઓ છે, જયારે 63 હજાર વ્યવસાયિક કરદાતાઓ છે. ચાલુ વર્ષ માં 222 કરોડની વસૂલીનો લક્ષ્યાંક રાખવામાં આવેલો જેમાંથી 110.54 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા છે. આમાં અૉનલાઈન પદ્ધતિથી 34.45 કરોડ રૂપિયા જમાં થયા છે, જ્યારે અૉફલાઈન દ્વારા 76.09 કરોડ રૂપિયા વસુલ થયા છે. કુલ મિલકતમાથી 2 લાખ 31 હજાર મિલ્કતોની કર વસૂલી થઈ છે. 
મનપા આયુક્ત દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકો આ કાર્યવાહીથી બચવા માંગતા હોય તેમને અૉનલાઈન અથવા અૉફલાઈન ટૅક્સ ભરી દઈ પાલિકાની કોવિડ રોકવાની મોહિમમાં મદદરૂપ થાય અથવા આગળની કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust