પોર્ટ ટ્રસ્ટ પેન્શનર્સને 16 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો લાભ મળશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : ભારતના મુખ્ય બંદરોના લગભગ 1,30,000 કર્મચારીઓને પેન્શન મળે છે. એમાંથી જાન્યુઆરી, 1997 બાદ સેવાનિવૃત્ત થયેલા અધિકારી અને જાન્યુઆરી, 1998 પછી નિવૃત્ત થયેલા કામદાર તેમ જ 31 ડિસેમ્બર, 2006 પહેલાં નિવૃત્ત થયેલા કામદાર અને અધિકારીઓને મળનારું પેન્શન અગાઉ નિવૃત્ત થયેલા કામદાર અને અધિકારીઓને મળતાં પેન્શન કરતાં ઓછું છે. પેન્શનમાંની આ વિસંગતિ દૂર કરવા માટે અૉલ ઇન્ડિયા ફેડરેશન અૉફ પોર્ટ ઍન્ડ ડૉક પેન્શનર્સ ઍસોસિએશને 2005માં મદ્રાસ હાઈ કોર્ટમાં કેસ દાખલ ર્ક્યો હતો. મદ્રાસ હાઈ કોર્ટે પેન્શનર્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશ અને ડિવિઝન બૅન્ચે આપેલો આદેશ સુપ્રીમ કોર્ટ પણ બહાલ ર્ક્યો હતો. સુપ્રીમ કોર્ટે 2007માં આપેલા ચુકાદા મુજબ કેન્દ્રીય વહાણવટા ખાતાએ 2008માં તમામ પોર્ટ ટ્રસ્ટ ચેરમેનને અગાઉના પેન્શન અને વર્તમાન પેન્શન વચ્ચેનો ફરક ચુકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ પોર્ટ ટ્રસ્ટ પ્રશાસને પર્સનલ પેન્શનનો સગવડિયો અર્થ ગણ્યો હતો, જેને લીધે પેન્શનર્સને ઘણું નુકસાન થયું હતું. આ અન્યાય વિરુદ્ધ તેમણે લડત ચલાવી હતી અને મદ્રાસ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં સરકારની હાર થઈ હતી. પોર્ટ ટ્રસ્ટે ત્રણવાર મદ્રાસ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. બાદમાં મદ્રાસ હાઈ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી હતી. પેન્શનર્સ ઍસોસિયેશને આ કેસ બાબતે 16 વર્ષ લડત ચલાવી હતી. છેવટે 2021ની 17 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે પોર્ટ ટ્રસ્ટની અપીલ રદબાતલ કરીને પેન્શનર્સને ન્યાય આપ્યો હતો. નિવૃત્ત થયેલા 14,000 કામદારો અને અધિકારીઓને આ ચુકાદાનો લાભ મળવો જોઈતો હતો, પરંતુ એમાંથી 7000 કામદાર હયાત નથી. આથી કેન્દ્રીય વહાણવટા ખાતાના સચિવે તાત્કાલિક આદેશ આપીને ચુકાદાની અમલબજાવણી કરવાની વિનંતી પેન્શનર્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી સી. જે. મેંડોસાએ કરી છે. પેન્શનર્સને ન્યાય અપાવવા માટે ફેડરેશનના પદાધિકારી અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પેન્શનર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ સી. જે. મેંડોસા, સંયુક્ત સચિવ જે. આર. પાટીલ, ખજાનચી ડી. એચ. ડિંગરેજા, ફેડરેશનના અધ્યક્ષ પી. એમ. હનિફ, ફેડરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ ત્યાગરાજન, મૂર્તિ, કે. રામાનુજન, એસ. એસ. વ્યંકટરામન, પરિયાલ વગેરેએ જહેમત ઊઠાવી હતી એવું મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ડૉક ઍન્ડ જનરલ એમ્પ્લોઈઝ યુનિયનના પ્રવક્તા મારુતી વિશ્વાસરાવે અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust