મ્યાઉં-મ્યાઉંવાળી ઘટના બાદ મને હત્યાના પ્રયાસના કેસમાં સંડોવવામાં આવ્યો છે : નિતેશ રાણે

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ બુધવારે મુંબઈ હાઈ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ગયા મહિને મે મહારાષ્ટ્રના એક પ્રધાનની વિધાનભવનમાં ઠેકડી ઉડાડેલી અને એને કારણે સરકારને માઠું લાગ્યું હોવાથી મારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. 
શિવસેનાના એક વિધાનસભ્યએ એવો આક્ષેપ કર્યો હતો કે ગયા મહિને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે વિધાનભવનમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમને જોઈને નિતેશ રાણેએ મ્યાઉં મ્યાઉં કર્યું હતું. 
નિતેશ રાણે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર છે અને તેમની સામે સિંધુદુર્ગ જિલ્લાના કંકવલી પોલીસ સ્ટેશનમાં એક શિવસૈનિકની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ધરપકડ ન થાય એ માટે નિતેશ રાણેએ હાઈ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટ કૉ-અૉપરેટીવ બૅન્કની ચૂંટણીના પ્રચાર દરમિયાન શિવસૈનિક પર હુમલો થયો હતો. જોકે, ચૂંટણીમાં શિવસેનાની હાર થઈ હતી. 
નિતેશ રાણેના વકિલ નિતીન પ્રધાને બુધવારે હાઈ કોર્ટને કહ્યું હતું કે મ્યાઉં મ્યાઉંની ઘટના બાદ મારા અસીલ બૅન્કના ચૂંટણી પ્રચારમાં ભાગ ન લઈ શકે એ માટે તેની સામે હત્યાના પ્રયાસનો કેસ ફાઈલ કરાયો હતો. મ્યાઉં-મ્યાઉંવાળી ઘટના વિધાન ભવનની બહાર 23 ડિસેમ્બર, 2021ના બની હતી અને શાસક પક્ષને માઠું લાગ્યું હતું. સરકારને પોતાનું અપમાન થયું હોવાનું લાગ્યું હતું. શિવસેનાના અમુક નેતાઓએ એમપણ કહ્યું હતું કે મારા અસીલ (નિતેશ રાણે)ને હવે પાઠ ભણાવવો જોઈએ. 
મારા અસીલ 24 ડિસેમ્બરે નિતેશ રાણે કંકાવલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને પોલીસે તેમની ચાર કલાક પુછપરછ પણ કરી હતી. એ બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. 
સમયના અભાવે હાઈ કોર્ટે કેસની સુનાવણી હવે ગુરુવારે (આજે) પર મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. 
સરકારી વકીલ સુદીપ પાસબોલાએ હાઈ કોર્ટને કહ્યું હતું કે નિતેશ રાણેની ધરપકડ નહીં કરીએ એવી પોલીસે કોર્ટને જે ખાતરી આપી છે એ ખાતરી કોર્ટના ચુકાદા સુધી પાળવામાં આવશે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer