મુંબઈમાં 500 ચોરસ ફૂટ સુધીના ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ

પ્રધાનમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મુંબઈમાં 500 ચોરસ ફૂટ અથવા તેના કરતાં ઓછું ક્ષેત્રફળ ધરાવતા ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાનો નિર્ણય આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ મળેલી મહાવિકાસ આઘાડી સરકારે લીધો છે. મુંબઈમાં આગામી એકાદ બે માસમાં પાલિકાની ચૂંટણી યોજાવાની છે. તે દૃષ્ટિએ શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે આ નિર્ણય લીધો છે આ છૂટછાટનો લાભ મુંબઈ પાલિકાની ચૂંટણીમાં શિવસેનાને મળી શકે છે.
મહારાષ્ટ્રના પ્રધાન મંડળની બેઠકમાં લેવાયેલા મુંબઈમાં 500 ચોરસ ફૂટ અથવા તેના કરતાં ઓછું ક્ષેત્રફળ ધરાવતા ઘરોને પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાના નિર્ણયનો અમલ પહેલી જાન્યુઆરી 2022થી શરૂ થશે. આ નિર્ણયનો કારણે મુંબઈ પાલિકાના કાર્યક્ષેત્રમાં આવેલા 16.14 લાખ રહેઠાણોને થશે. આ રાહતને પગલે મુંબઈ પાલિકાની તિજોરી ઉપર વાર્ષિક 417 કરોડ રૂપિયાનો અને મહારાષ્ટ્ર સરકારની તિજોરી ઉપર 45 કરોડ રૂપિયાનો બોજ પડશે. આમ મુંબઈ પાલિકા અને મહારાષ્ટ્ર ઉપર આ છૂટછાટને લીધે કુલ 462 કરોડ રૂપિયાનો બોજ પડશે.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાએ ફેબ્રુઆરી, 2017ની ચૂંટણીના સમયે મુંબઈગરાને 500 ચોરસ ફૂટ સુધીના ઘરોને પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ આપવાનું વચન આપ્યું હતું. પ્રધાનમંડળના નિર્ણય સાથે શિવસેનાએ તે ખાતરીનું પાલન કર્યું છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer