કોરોનાના વધતા પ્રકોપ સામે સાવધાન

કેન્દ્રીય આરોગ્ય સચિવનો રાજ્ય સરકારોને પત્ર
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત વિભાગોને ઓછામાં ઓછા 48 કલાક માટે મેડિકલ અૉક્સિજનનો પૂરતો અનામત જથ્થો રાખવાનો અને અૉક્સિજન કન્ટ્રોલ રૂમને ફરીથી સક્ષમ બનાવવાનો આગ્રહ ર્ક્યો છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના આરોગ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે ઉદ્ભવી રહેલી પરિસ્થિતિ જોતાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. તેમણે તમામ સ્વાસ્થ્ય કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં મેડિકલ અૉક્સિજનની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાનું કહ્યું છે.
 રાજેશ ભૂષણે કહ્યું હતું કે અૉક્સિજન થેરપી પૂરી પાડતી ખાનગી સ્વાસ્થ્ય સંસ્થાઓનું મૂલ્યાંકન કરવું અને તેમની અૉક્સિજન પૂરો પાડવાની ક્ષમતાની પણ વધારવી. હૉસ્પિટલોમાં લિક્વિડ અૉક્સિજન ટૅન્ક પૂરતા પ્રમાણમાં ભરેલી હોવી જોઈએ અને તેમના રીફિલિંગ માટે અવિરત પુરવઠો મળતો રહે એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. હૉસ્પિટલોમાં પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (પીએસએ) પ્લાન્ટ શરૂ કરાયા છે જે પૂર્ણ ક્ષમતાથી કાર્યરત હોય એની ખાતરી કરવી.
આરોગ્ય સચિવે કહ્યું હતું કે તમામ જિલ્લાઓએ તેમને પૂરા પાડવામાં આવેલા અૉક્સિજન કોન્સનટ્રેટર પૂર્ણપણે કાર્યરત હોય અને તેમની યોગ્ય દેખરેખ અને જાળવણીની ખાતરી કરવી. ઉચ્ચ સ્તરની તમામ હૉસ્પિટલોમાં વૅન્ટિલેટર, બાયપેપ, એસપીઓ-ર સિસ્ટમ સહિત જીવનરક્ષક ઉપકરણો ઊભરતી પરિસ્થિતિ મુજબ ઉપલબ્ધ હોય એ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે અૉક્સિજન ડિલિવરી ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સંક્રમણ અટકાવવા માટેના તમામ નિયમોનું પાલન જરૂરી છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer