ઢીલાશ રાખશો નહીં, કોરોનાનો પોઝિટિવિટીનો દર હજી પણ ઊંચો: ટોપે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં ઓક્સિજનનો ઉપયોગ ધીમેધીમે સતત વધી રહ્યો છે. હાલ દરરોજ 400 ટન જેટલો ઓક્સિજન વપરાય છે. આગામી થોડા દિવસમાં જો તે 700 ટન સુધી પહોંચે પછી આકરાં પ્રતિબંધ લાદવામા આવશે. તેથી નાગરિકોએ કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં એકાદ બે દિવસ ઘટાડો થાય તો તેનાથી નચિંત કે બેફિકર થવાની જરૂર નથી, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન ઠાકરેની અધ્યક્ષતા હેઠળ આજે પ્રધાનમંડળની બેઠક મળી હતી. તેમાં રાજ્યના આરોગ્ય ખાતા તરફથી કોરોનાની વર્તમાન સ્થિતિ અને ભાવિ પડકારો વિશે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તે પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યા અનુસાર જાન્યુઆરીનાં અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રારંભિક દિવસોમાં કોરોના સંક્રમિતોનું હૉસ્પિટલમાં દાખલ થવાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. આ બાબત પ્રત્યે પ્રધાનમંડળની બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ઠાકરેએ બાદમાં રાજ્યના વહીવટીતંત્રને રસીકરણનો વેગ વધારવાની અને દરદીઓને અપાતી વિવિધ સુવિધાઓ તૈયાર રાખવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, કોવિડ-19ની રસી લેનારાઓને હૉસ્પિટલમાં દાખલ કરાયાં પછી પણ ઓક્સિજન ઉપર રાખવાની જરૂર પડતી નથી. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં હૉસ્પિટલમાં દરદીઓની સંખ્યા વધતા તબીબી માળખાકીય સગવડો ઉપર તાણ આવવાની શરૂઆત થઈ છે. તેથી નાગરિકોએ ગાફેલ કે બેફિકર રહેવું જોઈએ નહીં, એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોનો પોઝિટિવિટીનો દર હજી પણ ઊંચો છે તેથી લોકોએ કોરોનાના ઉપદ્રવને કાબૂમાં રાખવાના પગલામાં લગીરપણ ઢીલ રાખવી ન જોઈએ. કોરોનાના કેસોમાં ઘટાડાના વલણ માટે સપ્તાહના અંતમાં ટેસ્ટિંગના પ્રમાણમાં ઘટાડો કારણભૂત હોઈ શકે છે, એમ મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે.
ગત એક વર્ષના મૃતકોમાં 94 ટકા રસી નહીં લેનારાઓમુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી, 2021થી અત્યાર સુધીના કોરોનાના કારણે જાન ગુમાવનારાઓમાં 94 ટકા લોકોએ કોવિડ-19ની રસી લીધી ન હોતી.
Published on: Thu, 13 Jan 2022
ઓક્સિજનનો દૈનિક વપરાશ 400 ટન, 700 ટન થાય પછી આકરાં નિયંત્રણો : ઉદ્ધવ
