પંજાબ સરકાર દ્વારા જાણીજોઈને વડા પ્રધાનની સુરક્ષા પ્રત્યે દુર્લક્ષ : સ્મૃતિ ઈરાની

પંજાબ સરકાર દ્વારા જાણીજોઈને વડા પ્રધાનની સુરક્ષા પ્રત્યે દુર્લક્ષ : સ્મૃતિ ઈરાની
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂક મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે ભૂતપૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાના વડપણ હેઠળ એક તપાસ સમિતિની રચના કરી છે. પંજાબના પોલીસના અધિકારીઓએ જાણ કરવા છતાં વડા પ્રધાનની સુરક્ષા પ્રત્યે જાણીજોઈને દુલર્ક્ષ કરવાનો ભાજપએ કૉંગ્રેસ પર આક્ષેપ ર્ક્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાનની સુરક્ષામાં ચૂકથી કૉંગ્રેસમાં કોને લાભ થવાનો હતો?
કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે દેશ કૉંગ્રેસને પ્રશ્નો પૂછી રહ્યો છે કે વડા પ્રધાનનો રૂટ સુરક્ષિત હોવાનો ખોટો સંદેશ કેમ આપવામાં આવ્યો હતો? 
સ્મૃતિ ઈરાનીએ એક સમાચાર ચેનલ દ્વારા કરવામાં આવેલા `િસ્ટંગ'નો હવાલો આપ્યો હતો, જેમાં કથિત રીતે પંજાબ પોલીસના કેટલાક અધિકારી એમ કહેતા જોવા મળે છે કે તેમણે વડા પ્રધાનના કાફલાના માર્ગ પર દેખાવકારોએ નાકાબંધી કરી હોવાનું વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું પરંતુ કથિત રીતે કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ મંગળવારે ચંડીગડમાં જણાવ્યું હતું કે પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને સત્તાધારી કૉંગ્રેસ સરકારે વડા પ્રધાન અને ભાજપને ક્ષોભમાં મૂકવા માટે સુરક્ષામાં ચૂક થવા દીધી હતી. 
પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની દ્વારા કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને આ મામલે માહિતી આપવામાં આવી હોવા અંગે પણ સ્મૃતિ ઈરાનીએ સવાલ ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રાઈવેટ નાગરિક છે. પંજાબના મુખ્ય પ્રધાને વડા પ્રધાનના સુરક્ષા પ્રોટોકોલ અને ચૂક અંગે પ્રિયંકા ગાંધીને માહિતી શા માટે આપી? એક પ્રાઈવેટ નાગરિક, ગાંધી પરિવારના સભ્યને આમાં શું રસ? એવું પણ તેમણે પૂછ્યું હતું.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer