યુવાનોની જવાબદારીની ભાવના સ્તુત્ય : મોદી

યુવાનોની જવાબદારીની ભાવના સ્તુત્ય : મોદી
પોંડીચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન
પોંડીચેરી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના યુવાનોમાં જોવા મળતી જવાબદારીની ભાવનાને વખાણતાં જણાવ્યું હતું કે, ચાલુ મહિને પ્રારંભની  સાથે બે કરોડથી વધુ 15થી 18 વર્ષના કિશોરોને  રસીકરણની સફળતા જ આ જવાબદારીની ભાવનાની પ્રતીતિ કરાવે છે.
અહીં રાષ્ટ્રીય યુવા મહોત્સવની 25મી આવૃત્તિનું વીડિયો કોન્ફરન્સીંગની ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને એવું પણ કહ્યું હતું કે, તેમની સરકારનો લગ્નની કન્યાની વય 18માંથી 21 કરવાનો નિર્ણય દેશની દિકરીઓના હિતમાં છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, 'ભારત પાસે અસીમ શક્તિઓ છે. એક ડેમોગ્રાફી અને બીજું ડેમોક્રસી. જે દેશ પાસે જેટલી યુવા શક્તિ હોય, તેની ક્ષમતાઓને એટલી જ વ્યાપક માનવામાં આવે છે. ભારત પાસે આ બંને શક્તિઓ છે.' 
તેમણે કહ્યું કે, આજે ભારતના યુવાનોમાં જો ટેક્નોલોજીનો ચાર્મ છે તો લોકશાહીની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં જો શ્રમનું સામર્થ્ય છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. આ કારણે જ ભારત આજે જે કહે છે તેને દુનિયા આવનારા કાલનો અવાજ માને છે. ભારત પોતાના યુવાનોને વિકાસની સાથે લોકશાહીના મૂલ્યોની તાકાત માને છે. આજે ભારત અને દુનિયાના ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. 2022 ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પણ છે.  
વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતનો યુવાન વૈશ્વિક સમૃદ્ધિના કોડ લખી રહ્યો છે. સમગ્ર વિશ્વની યુનિકોર્ન ઈકોસિસ્ટમમાં ભારતીય યુવાનોનો જલવો છે. ભારત પાસે આજે 50 હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપ્સની મજબૂત ઈકોસિસ્ટમ છે. તેમણે કહ્યું કે, 'ભારતના યુવાનો પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડની સાથે સાથે લોકશાહીનું મૂલ્ય પણ છે, તેમનું ડેમોક્રેટિક ડિવિડન્ડ પણ અતુલનીય છે. ભારત પોતાના યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્ડની સાથે સાથે ડેવલપમેન્ટના ડ્રાઈવર પણ માને છે.' 
વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે આપણે શ્રી અરાબિંદોની 150મી જયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની 100મી પુણ્યતિથિ પણ છે. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer