સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશ ઇંદુ મલ્હોત્રાના વડપણ હેઠળ તપાસ સમિતિ નીમિ

સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશ ઇંદુ મલ્હોત્રાના વડપણ હેઠળ તપાસ સમિતિ નીમિ
વડા પ્રધાનની સુરક્ષામાં ખામી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના મામલે સુપ્રીમ કોર્ટે પૂર્વ ન્યાયાધીશ ઇંદુ મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળની તપાસ સમિતિની નિમણૂક કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી આ કમિટી પાંચમી જાન્યુઆરીના વડા પ્રધાનની પંજાબ મુલાકાત દરમિયાન સામે આવેલી સુરક્ષામાં ખામીના મામલે તપાસ કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાના વડપણ હેઠળ ન્યાયાધીશો સૂર્યકાંત અને હિમા કોહલીની ખંડપીઠે આ સંબંધી આદેશ આજે આપ્યો હતો. 
આ જાહેરાત કરતા મુખ્ય ન્યાયાધીશ રમન્નાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઇંદુ મલ્હોત્રાના વડપણ હેઠળની આ સમિતિમાં અન્ય સભ્યપદે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઇએ)ના ડિરેક્ટર જનરલ (ડીજી) અને પંજાબના સુરક્ષા વિભાગના ડિરેક્ટર જનરલ (ડીજી) તેમ જ પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના રજિસ્ટ્રાર જનરલનો પણ સમાવેશ કરાયો છે. પાંચ જાન્યુઆરીના વડા પ્રધાન પંજાબની મુલાકાતે હતા ત્યારે એક સભાને સંબોધવા જઇ રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં ખામી સામે આવી હતી. લૉયર્સ વૉઇસ નામના સંગઠને આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ કે દિશાનિર્દેશ આપવાની માગણી કરતી અરજી કરી હતી. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer