ઘૂસણખોરીને નાથવા સેના સજ્જ

ઘૂસણખોરીને નાથવા સેના સજ્જ
ચીન તરફથી જોખમ સામે આપણે તૈયાર : જનરલ નરવણે 
નવી દિલ્હી, તા. 12 : ભારત અને ચીનની બુધવારે યોજિત 14મા દોરની ચર્ચા વચ્ચે પત્રકાર પરિષદને સંબોધતાં ભારતીય સૈન્યના વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું હતું કે, ઘૂસણખોરીના પ્રયાસ નાકામ કરવા સેના સજ્જ છે.
અલબત્ત, દળો પાછાં હટાવવાની પ્રક્રિયા શરૂ?થઇ?છે, પરંતુ ખતરો ઓછો થયો છે તેવું હજુ પણ કહી ન શકાય તેવું તેમણે ઉમેર્યું હતું.
વિતેલાં વરસે જાન્યુઆરીથી આપણી ઉત્તરીય અને પશ્ચિમી સીમાઓ પર સકારાત્મક વિકાસ થયો છે. ઉત્તર સીમાઓ પર એક જ સમયે વાતચીત દ્વારા ઉચ્ચત્તમ સ્તરની સંચાલન તૈયારી છે તેવું સેનાધ્યક્ષે કહ્યું હતું. નરવણેએ જણાવ્યું હતું કે, પશ્ચિમી મોરચા પર વિવિધ લોન્ચપેડ પર આતંકવાદીઓની સંખ્યામાં વધારો થયો છે.
વારંવાર નિયંત્રણ રેખા પરથી ઘૂસણખોરીના પ્રયાસો થઇ?રહ્યા છે. આવી હીન હરકતોએ વધુ એકવાર ભારતના પશ્ચિમી પાડોશી દેશના નાપાક મનસુબા સામે આવ્યા છે તેવું તેમણે કહ્યું હતું.
જો કે, ઘૂસણખોરી કરીને દેશને નુકસાન કરવાના કોઇપણ છીછરા પ્રયાસને નાકામ કરવા માટે સેના પૂરતી સજ્જ છે તેવી ધરપત પણ ભારતીય સૈન્યના મુખિયાએ આપી હતી.
ચીનના સંદર્ભમાં ખતરો હજુ ઓછો નથી થયો તેવું કહેતાં નરવણેએ જણાવ્યું હતું કે, ભારત તરફથી સૈનિકોનું સ્તર વધારાઇ રહ્યું છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust