યોગી સરકારના વધુ એક પ્રધાન દારા સિંહનું રાજીનામું

યોગી સરકારના વધુ એક પ્રધાન દારા સિંહનું રાજીનામું
બ્રાહ્મણ નેતા રવીન્દ્ર ત્રિપાઠીએ ભાજપ છોડવાની વાત નકારી
લખનઊ, તા. 12: ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાં બાદ આજે વધુ એક પ્રધાન દારા સિંહે તેમ જ પ્રયાગરાજના ભાજપ નેતા શશાંક ત્રિપાઠીએ રાજીનામું આપી સપામાં જોડાયા છે. ગઈકાલે ત્રણ વિધાનસભ્યો અને હજુ પણ અન્ય કેટલાક વિધાનસભ્યો ભાજપ છોડી સપાની છાવણીમાં જવાની અટકળો છે.
દરમિયાન, ભાજપે પણ ગાબડાં પડતા અટકાવવા પાર્ટીના દરવાજા ખોલ્યા છે. સપાના પૂર્વ પ્રમુખ મુલાયમ સિંહ યાદવના વેવાઈ અને કૉંગ્રેસના એક વિધાનસભ્ય ભાજપમાં જોડાયા છે.
આ બધી અટકળો વચ્ચે પ્રયાગરાજના ભાજપના બ્રાહ્મણ નેતા રવીન્દ્ર ત્રિપાઠીએ પણ રાજીનામું આપ્યાની અટકળો વહેતી થઈ હતી અને તેમનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, તેમણે આ કોઈનું કારસ્તાન હોવાનું કહીને સમાચારો નકાર્યા હતા. ત્રિપાઠીએ ભાજપમાં જ હોવાની સ્પષ્ટતા કરી હતી.
ઉત્તરપ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલી રહ્યો છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાના 24 કલાકની અંદર જ ભાજપની યોગી સરકારના વધુ એક મંત્રી દારાસિંહ ચૌહાણએ રાજીનામું ધરી દેતાં ભાજપ અને યોગી સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે.  ચૌહાણે રાજીનામા બાદ સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવથી મુલાકાત કરતાં તેઓ પણ સપામાં જોડાય તે નક્કી માનવામાં આવી રહ્યું છે.
દારાસિંહ ચૌહાણ યોગી સરકારમાં વન, પર્યાવરણ અને જંતુઉદ્યાન મંત્રી હતા. તેમણે કહ્યું કે યોગી સરકારમાં પછાતો, વંચિતો, દલિતો, કિસાનો અને બેરોજગાર નૌજવાનો સાથે ઉપેક્ષાત્મક વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે રાજીનામું રાજભવન મોકલી આપ્યું હતું.
દારાસિંહે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી જેની પુષ્ટિ યાદવે ટવીટ દ્વારા કરી હતી. તેમણે કહ્યું હતું કે `સામાજિક ન્યાય'ના સંઘર્ષના સેનાની દારાસિંહ ચૌહાણનું સપામાં સ્વાગત અને અભિનંદન છે. આ પહેલાં ગઈકાલે સ્વામી પ્રસાદની સાથે ભાજપના ત્રણ ધારાસભ્યે પણ રાજીનામા આપ્યાં હતાં. હજુ વધુ કેટલાક ધારાસભ્ય અને નેતા ભાજપને છોડે તેવી ચર્ચા છે.
ભાજપ છોડનારા મૌર્ય વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ 2014નાં ભડકાઉ નિવેદન મામલે કોર્ટની કાર્યવાહી
યુપીમાં યોગી સરકારમાંથી મંત્રી પદે રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્યની ધરપકડ માટે વોરન્ટ જાહેર કરાયું છે. તેમના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં કોર્ટે કાર્યવાહીનો આદેશ આપ્યો છે.
સુલતાનપુરની એમએલએ કોર્ટે ઓબીસી નેતા મૌર્ય વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરી ર4 જાન્યુઆરી સુધીમાં હાજર થવા આદેશ આપ્યો છે. 
વર્ષ ર014માં સ્વામી પ્રસાદ મૌર્યએ એક વિવાદિત નિવેદન આપી કહ્યંy હતું કે લગ્નોમાં ગૌરી-ગણેશની પૂજા ન કરવી જોઈએ. તે મનુવાદી વ્યવસ્થામાં દલિતો અને પછાત વર્ગને ગુમરાહ કરી ગુલામ બનાવવાનું કાવતરું છે. આ મામલે મૌર્ય બુધવારે હાજર ન થયા તો અપર મુખ્ય દંડાધિકારી એમપી-એમએલએ એ તેમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ બહાર પાડયું હતું. આ મામલે આગળની સુનાવણી ર4 જાન્યુઆરીએ થશે. 
અયોધ્યાથી ચૂંટણી લડશે યોગી દિલ્હીમાં ભાજપની બેઠકમાં થઈ ચર્ચા
 ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ભાજપ અયોધ્યા બેઠકથી વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારીમાં છે. પક્ષના સૂત્રોએ આ જાણકારી આપી છે. ભાજપમાં ટિકિટની વહેંચણી ઉપર મંથન શરૂ થઈ ચૂક્યું છે. મંગળવારે દિલ્હીમાં કોર કમિટિની બેઠક થઈ હતી. જેમાં સીએમ યોગી આદિત્યનાથ પણ પોતાના બન્ને ડેપ્યુટી સીએમ સાથે હાજર રહ્યા હતા. પક્ષના એક નેતાએ કહ્યું હતું કે, બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.  પક્ષના નેતાના કહેવા પ્રમાણે યોગી આદિત્યનાથને અયોધ્યામાંથી મેદાનમાં ઉતારવામાં આવશે તો પુરા પ્રદેશમાં હિન્દુત્વનો સંદેશ જશે. જો કે યોગી આદિત્યનાથ મથુરાથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા શરૂ થઈ હતી. ભાજપ સાંસદ હરનાથ યાદવે જેપી નડ્ડાને પત્ર લખીને માગણી પણ કરી હતી કે સીએમ યોગીને મથુરાથી ચૂંટણીમાં ઉતારવા જોઈએ. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer