શ્રેણી વિજય માટે દ. આફ્રિકાને 111 રનની જરૂર; ભારતને આઠ વિકેટની

શ્રેણી વિજય માટે દ. આફ્રિકાને 111 રનની જરૂર; ભારતને આઠ વિકેટની
પંતની શાનદાર સદી, બીજા દાવમાં ભારત 198માં ઓલઆઉટ : દક્ષિણ આફ્રિકાના બે વિકેટે 101
કેપટાઉન, તા. 13 : અણનમ રહેલા રિષભ પંતની શાનદાર સદીનાં બળે બીજા દાવમાં 198 રન કરી, ટીઇ ઇંડિયાએ ગુરુવારે 212 રનનું લક્ષ્ય આપ્યા બાદ મેદાન પર ઉતરેલાં દક્ષિણ આફ્રિકાએ આજની રમત બંધ રહી ત્યારે 29 ઓવરમાં બે વિકેટે 101 રન કર્યા હતા. આમ, નિર્ણાયક ત્રીજા ટેસ્ટમાં ભારતને હરાવી શ્રેણી વિજયથી પ્રોટીસ હજુ 111 રન દૂર છે. 
માત્ર 23 રને એડીન મારક્રમ (16)નાં રૂપમાં પહેલી વિકેટ ખોઇ દેનાર આફ્રિકી ટીમના સુકાની ડીન એલ્ગર અને કીગન પીટરસનની જોડીએ સ્કોર બોર્ડને ગતિ આપી હતી.
એલ્ગર 30 રને બુમરાહના દડામાં પંતને કેચ આપતાં વિકેટ ખોઇ બેઠો હતો, તો પીટરસન 48 રને દાવમાં છે.
વિપરિત પરિસ્થિતિ અને કેપટાઉનની ન્યૂલેન્ડસની ઉછાળ લેતી ખતરનાક પિચ પર આફ્રિકી ફાસ્ટ બોલરોનો બાહદુરીથી સામનો કરીને યુવા વિકેટકીપર-બેટસમેન ઋષભ પંતની અણનમ સાહસિક સદીની મદદથી ભારતના બીજા દાવમાં 198 રન થયા હતા. ભારતીય ટીમને 13 રનની પાતળી સરસાઇ મળી હતી. આથી દ. આફ્રિકાને જીત માટે 212 રનનું પડકારરૂપ વિજય લક્ષ્યાંક મળ્યું હતું. એક તરફથી ખરતી વિકેટે વચ્ચે ઋષભ પંતે પોતાની પ્રાકૃતિક રમત રમીને ટેસ્ટ કારકિર્દીની ચોથી અને વિદેશમાં ત્રીજી સદી ફટકારી હતી. પંત 139 દડામાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાથી પૂરા 100 રને અણનમ રહ્યો હતો. તેને માત્ર કપ્તાન વિરાટ કોહલી (29)નો સાથ મળ્યો હતો. બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 179 દડામાં 94 રનની નિર્ણાયક ભાગીદારી થઇ હતી. 
કોહલીએ પોતાના સ્વભાવથી વિપરિત 143 દડામાં 4 ચોગ્ગાથી 29 રનની જવાબદારી ભરી ઇનિંગ રમીને પંતને સારો સાથ આપ્યો હતો. આ સિવાય મિ.એકસ્ટ્રાનો ફાળો 28 રનનો રહ્યો હતો. આફ્રિકા તરફથી યુવા ડાબોડી બોલર માર્કો યાન્સિને 36 રનમાં 4 વિકેટ લીધી હતી. રબાડા અને એન્ડિગીને 3-3 વિકેટ મળી હતી.
ભારતની શરૂઆત આજે મેચના ત્રીજા દિવસે ખરાબ રહી હતી. પહેલી ઓવરમાં જ પુજારા (9) સ્લીપમાં પીટરસનના છલાંગ કેચથી આઉટ થયો હતો. યાન્સિને ફરી પુજારાનો શિકાર કર્યો હતો. દિવસની બીજી ઓવરમાં આઉટ ઓફ ફોર્મ રહાણે (1)ને રબાડાએ પેવેલિયન ભેગો કર્યો હતો. પ8 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ભારત ભીંસમાં આવ્યું હતું, પણ ઋષભ પંતે આફ્રિકી બોલરોને મચક આપ્યા વિના અદભૂત બેટિંગ કરીને કોહલી સાથે પાંચમી વિકેટમાં 94 રનનો ઉમેરો કર્યો હતો. કોહલી ફરી એકવાર બહારના દડા સાથે છેડછાડની ભૂલ કરી બેઠો હતો અને 29 રને સ્લીપમાં કેચ આઉટ થયો હતો.
સ્કોર બોર્ડ : ભારત પ્રથમ દાવ 223 દ. આફ્રિકા પ્રથમ દાવ : 198
ભારત બીજો દાવ: રાહુલ કો. માર્કરમ બો. યાન્સિન 10, મયંક કો. એલ્ગર બો. રબાડા 7, પુજારા કો. પીટરસન બો. યાન્સિન 9, કોહલી કો. માર્કરમ બો. એન્ડિગી 29, રહાણે કો. વેરેન બો. રબાડા 1, પંત અણનમ 100, અશ્વિન કો. યાન્સિન બો. એન્ડિગી 7, ઠાકુર કો. વેરેન બો. એન્ડિગી પ, યાદવ કો. વેરેન બો. રબાડા 0, શમી કો. ડુસાન બો. યાન્સિન 0, બુમરાહ કો. બાવુમા બો. યાન્સિન 2, વધારાના 28, કુલ 67.3 ઓવર 198 રન.
વિકેટ ક્રમ : 20, 24, 57, પ8, 152, 162, 170, 180, 189, 198.
બોલિંગ : રબાડા : 17-5-53-3, ઓલિવિયર : 10-1-38-0, યાન્સિન : 19.3-6-36-4, એન્ડિગી : 13-5-21-3, કેશવ : 7-1-33-0.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust