ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં માળખાકીય પરિવર્તન શરૂ થયું છે

ઉદ્યોગ પર નિકાસનું વધ્યું પ્રભુત્વ  
મુંબઈ, તા. 13 : થોડા સમયથી ટેક્સ્ટાઈલ  કંપનીઓના શૅર ભાવ ઉપર દબાણ હતું પરંતુ કોટન અને એપેરલની નિકાસમાં વધારો થવાના આંકડા જાહેર થયા બાદ તેના શૅરના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિકાસના આંકડા જોતા ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં પાયાનું પરિવર્તન થઈ રહ્યું હોવાનું જણાય છે.  
નિકાસના આંકડા જાહેર થયા બાદ સુપર ફાઈન નીટર્સ, સુપર સ્પાનિંગ અને ફિલાટેક્સ ઇન્ડિયાના શૅર ભાવમાં 10 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ જેસીટી, સુરત ટેક્સ્ટાઈલ, સ્વાતી વિનાયક, કેપીઆર મિલ્સ, સુમિત ઇન્ડસ્ટ્રિઝ, ભંડારી હોઝિયરી, મિનાક્ષી ટેક્સ્ટાઈલ્સ અને બોમ્બે રેયોનના શૅર ભાવ ચારથી પાંચ ટકાની રેન્જમાં વધ્યા હતાં.  
કોવિડ-19 મહામારીને લીધે વૈશ્વિક ટેક્સ્ટાઈલ અને એપેરલની સપ્લાય ચેઈનમાં ફેરફાર થયો છે. અમેરિકા-ચીન ટ્રેડ વોરને લીધે અમેરિકાના આયાતકારો ચીનની બદલે ભારતને પ્રાધાન્ય આપી રહ્યા છે.
સ્પાર્ક કેપિટલના એનલિસ્ટે કહ્યું કે, ડિસેમ્બરમાં અમેરિકાએ ચીનના ઝિનજિયાંગથી આયાત ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેતા ભારતીય રૂની વૈશ્વિક બજારમાં માગ વધશે કારણ કે ઝિનજિયાંગ વિશ્વના કુલ રૂ બજારમાં 20 ટકા હિસ્સો ધરાવતું હતું. નાણાકીય વર્ષ 2019-21 દરમિયાન ભારતીય રૂ અને રૂ યાર્નની નિકાસ 34 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે.  
ભારતીય રૂની નિકાસ ચીન ઉપરાંત બાંગ્લાદેશ, વિયેટનામ અને કમ્બોડિયામાં પણ સારા પ્રમાણમાં થાય છે. છેલ્લા આઠ મહિનામાં ભારતીય રૂની નિકાસ નોંધપાત્ર વધી છે. મેડ-અપ્સ સેગમેન્ટમાં પણ ભારતની નિકાસ વધી છે.  
ઍનાલિસ્ટોનું કહેવું છે કે, લૉકડાઉનના લીધે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધતા હોમ ટેક્સ્ટાઈલની માગ વધી હતી. તેમ જ ચીન બજાર હિસ્સો ગુમાવતું હોવાથી પણ ભારતને ફાયદો થઈ રહ્યો છે. તેમ જ ભારત વિવિધ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (એફટીએ) કરતુ હોવાથી પણ સ્થાનિક ટેક્સ્ટાઈલ ક્ષેત્રને ફાયદો થશે.  
ઍનાલિસ્ટોનું કહેવું છે કે વર્ધમાન ટેક્સ્ટાઈલ્સ, ટ્રાઈડેન્ટ, સતલજ ટેક્સ્ટાઈલ, ઇન્ડો કાઉન્ટ વગેરે કંપનીઓની નોંધપાત્ર વૃદ્ધિ થશે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer