બીપીસીએલને હસ્તગત કરવા વેદાંત $ 12 અબજ ચૂકવવા તૈયાર

મુંબઈ, તા. 13 : વેદાંત ગ્રુપ સરકાર હસ્તક રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પ. (બીપીસીએલ)ને હસ્તગત કરવા માટે 12 અબજ ડૉલર ખર્ચ કરવા માટે તૈયાર છે. વેદાંતના અબજોપતિ ચૅરમૅન અનિલ અગ્રવાલે કહ્યું કે, અમે બિડમાં અગ્રેસર રહેશું નહીં પરંતુ યોગ્ય રકમ ચૂકવવા માટે તૈયાર છીએ. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 11થી 12 અબજ ડૉલર છે, તેથી આ રકમ ચૂકવવા માટે અમે સંમત છીએ. 
ભારત સરકારનું લક્ષ્ય બીપીસીએલનું ખાનગીકરણ કરવાનું છે. નાણાકીય જોખમને લીધે બીપીસીએલને યોગ્ય ભાગીદાર પણ મળી રહ્યા નથી. સરકારની ઈચ્છા છે કે વૈશ્વિક અગ્રણી અૉઈલ કંપનીઓ એકત્રિત થઈને રોકાણ ભંડોળ ઊભું કરીને સૂચિત ખાનગીકરણમાં ભાગ લે. જો કે, બિડર્સ બીપીસીએલથી અંતર રાખી રહ્યા છે કારણ કે વૈશ્વિક ધોરણે નિયમો કડક હોવાથી તેઓ ફોસિલ ફ્યૂલ્સમાં મોટા પ્રમાણમાં રોકાણ કરતા અચકાય છે. 
બીપીસીએલનું વેચાણ થશે તો તે દેશનું સૌથી મોટું ખાનગીકરણ ગણાશે. અગાઉ સપ્ટેમ્બર ત્રિમાસિક સુધીમાં બીપીસીએલમાંથી સરકાર સંપૂર્ણ 53 ટકા હિસ્સો વેચવાની હતી, પરંતુ આ ડેડલાઈન સરકાર ચૂકી ગઈ છે. કંપનીનું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન 11.4 અબજ છે. 
કૉમોડિટીના અગ્રણીઓનું માનવું છે કે માર્ચમાં બીપીસીએલની બિડ થઈ શકે છે. ઉપરાંત વેદાંત ગ્રુપ, અપોલો ગ્લોબલ મૅનેજમેન્ટ અને આઈ ક્લેવર્ડ કેપિટલે પણ બીપીસીએલને હસ્તગત કરવા માટે રસ દર્શાવ્યો છે. અગ્રવાલે કહ્યું કે અમે લોકોને સમજી રહ્યા છે. દરેક લોકો નાણાં ઉમેરશે જ્યારે સોદો થશે. લંડનની સેન્ટ્રીઅસ એસેટ મૅનેજમેન્ટે ભારત સરકારની અસ્ક્યામતો ખરીદવા માટે 10 અબજ ડૉલર આપવાની તૈયારી દર્શાવી છે. વેદાંતે તેની સાથે જોડાણ કર્યું છે. અને તેમાં શિપિંગ કોર્પોરેશન અૉફ ઇન્ડિયાનો હિસ્સો હસ્તગત કરવાનો પણ સમાવેશ છે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust