અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ભત્રીજા સોહેલ કાસકરને ભારત પાછા લાવવાની કોશિશ બેકાર ગઇ છે. સોહેલની અમેરિકી એજન્સીઓએ નાર્કો ટેરરિઝમ કેસમાં ધરપકડ કરી હતી, જે પછી મુંબઇ પોલીસ તેને ભારત લાવવાની કોશિશમાં હતી ત્યાં મુંબઇ પોલીસ સૂત્રોમાંથી સમાચાર આવ્યા છે કે, તે પાકિસ્તાન પરત જઇ ચૂક્યો છે. આ મામલે મુંબઇ પોલીસ અને અમેરિકી એજન્સીઓની વચ્ચે તાલમેલ સામેય પ્રશ્નાર્થ સર્જાયો છે.
અમેરિકન એજન્સી દ્વારા સોહેલ કાસકર સાથે ધરપકડ કરવામાં આવેલા અલી દાનિશને ભારત લાવવામાં સફળતા મળ્યા પછી મુંબઈ પોલીસ તેને ભારત લાવવાની તૈયારી કરી રહી હતી. સોહેલ 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ એક આંતરિક વાતચીતમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓને સોહેલ કાસકરનો અવાજ સંભળાયો હતો. ત્યાર પછી એજન્સીઓએ તપાસ શરૂ કરી તો ખબર પડી કે તે અમેરિકાથી નીકળી ગયો છે અને દુબઈ થઈને પાકિસ્તાન પહોંચ્યો છે. જો કે પોલીસ હજી સુધી એ સમજી નથી શકી કે અમેરિકાએ સોહેલ કાસકરને ભારતને સોંપવાને બદલે જવા કેમ દીધો ?
મુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2001માં દાનિશ દુબઈ ગયો હતો અને ત્યાં તેની મુલાકાત સોહેલ કાસકર સાથે થઈ હતી. ત્યાં બેથી ત્રણ વર્ષ બંને સાથે રહ્યા હતા અને પછી સોહેલે દાનિશને હીરાની દાણચોરી વિશે જણાવ્યું હતું અને ત્યાર પછી તેણે નક્કી કર્યું હતું કે તે રશિયા જશે, જ્યાં હીરાની ઘણી ખાણ છે. દાનિશે બહુ પ્રયત્નો કર્યા, પરંતુ તેને રશિયાના વિઝા ના મળ્યા. ત્યાર પછી વર્ષ 2003-04માં તે સ્ટુડન્ટ વિઝા લઈને રશિયા ગયો હતો. ત્યાં તેણે 2 વર્ષ અભ્યાસ કર્યા પછી હીરાની દુનિયામાં પગપેસારો શરૂ કર્યો. આ દરમિયાન સોહેલ દક્ષિણ આફ્રિકામાં હીરાની સ્મગાલિંગના આરોપમાં પકડાઈ ગયો અને આ જ આરોપમાં તે અંદાજે એક વર્ષ સુધી જેલમાં રહ્યો. જેલથી છૂટ્યા પછી સોહેલ અને દાનિશ સાથે મળીને હથિયારોની દાણચોરી કરતા હતા.
Published on: Fri, 14 Jan 2022