વિહંગ ગાર્ડન પ્રકરણની લોકઆયુક્ત સમક્ષ ચોથી માર્ચે સુનાવણી થશે

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક સાથે સંકળાયેલા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક સાથે કથિતરૂપે સંકળાયેલા વિહંગ ગાર્ડન પ્રકલ્પ અંગે ડેવલપર વિનય ઍન્ડ ડેવલપર્સના નિયમો નેવે મૂકીને અપરાધ માફ કરવા તેમ જ 3.33 કરોડ રૂપિયા અને તેના પરનું વ્યાજ જતું કરવાના પ્રકરણની સુનાવણી મહારાષ્ટ્રના લોકઆયુક્તની કચેરી દ્વારા ગત ચોથી જાન્યુઆરીએ કરવામાં આવી હતી.
લોકઆયુક્તની કચેરી દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર હવે આ પ્રકરણની સુનાવણી આવતી ચોથી માર્ચેએ યોજાશે. લોકઆયુક્ત દ્વારા ગત ચોથી જાન્યુઆરીએ સુનાવણી સમયે જણાવવામાં આવ્યું હતું કે થર્ડ પાર્ટી દ્વારા ગેરકાનૂની બાંધકામ અંગે 3.30 કરોડ રૂપિયા ચૂકવવાની નોટિસ 23મી માર્ચ, 2018ના દિવસે આપવામાં આવી હતી. ઉપરાંત તેના ઉપર 18 ટકા વ્યાજ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. આમ છતાં સંબંધિતોએ માત્ર 25 લાખ રૂપિયા જ ચૂકવ્યા છે. તેની પણ સુનાવણી દરમિયાન નોંધ લેવામાં આવી હતી.
સરનાઈકને સંડોવતુ વિહંગ ગાર્ડનનું પ્રકરણ શું છે?
શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે બાંધેલી હાઉસિંગ કોલોનીમાં 13 માળની ઈમારતોમાં ચાર માળ ગેરકાયદે હોવાથી થાણે મહાનગરપાલિકાએ નોટિસ બજાવી હતી. વિહંગ ગાર્ડનમાં બાંધકામ ટીડીઆરના બદલામાં પાલિકાને માજીવાડામાં શાળા બાંધી આપવામાં આવી છે. તેનો અનુજ્ઞેય કાર્પેટ એરિયા નિર્દેશાંક વિહંગ ગાર્ડનની ઈમારતમાં વાપરવામાં આવ્યો છે. તેથી કોઈપણ નિયમભંગ નહિં થયો હોવાનો દાવો સરનાઈકે સરકાર સમક્ષ ર્ક્યો હતો. પરંતુ ટીડીઆર મંજૂર કરાવ્યા વગર સરનાઈકે બાંધકામ ર્ક્યું હોવાથી તે ગેરકાયદે ઠરાવીને તત્કાલીન મહાપાલિકા આયુક્તે આ બાંધકામ તોડવાનો આદેશ આપ્યો હતો. સમય જતાં દંડ આકારીને આ કન્સ્ટ્રક્શન નિયમિત કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હતો. તે મુજબ 3,33,96,000 દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું. એમાંથી 25 લાખ રૂપિયા ડેવલપરે મહાપાલિકા પાસે જમા ર્ક્યા હતા. પરંતુ બાકીની રકમ ભરી નહોતી. આથી એપ્રિલ 2018થી જાન્યુઆરી 2021 દરમિયાનની  3,08,97,000 રૂપિયાની બાકીની રકમ અને એના પર 18 ટકાના દર મુજબ 1,25,00,000 રૂપિયાનું વ્યાજ ભરવા ડેવલપર એટલે કે સરનાઈકને નોટિસ બજાવવામાં આવી હતી.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust