મીરા-ભાયંદરના બિલ્ડિંગોમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પૉઈન્ટ ફરજિયાત બનાવો : ડેપ્યુટી મેયર

જીતેશ વોરા તરફથી
ભાયંદર, તા. 13 : ડેપ્યુટી મેયર હસમુખ ગેહલોતે કમિશનર દિલીપ ઢોલેને પત્ર લખી માંગ કરી છે કે મીરા-ભાયંદર શહેરમાં બિલ્ડિગના બાંધકામની સીસી જારી કરતી વખતે ડેવલપર્સે બિલ્ડિગના પાર્કિંગ ઝોનમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવા જરૂરી છે, એવો નિયમ બનાવવામાં આવે મીરા-ભાયંદરમાં કાર ચાર્જિંગ સેન્ટર શરૂ કરવા માટેના પ્રયાસો કરવા પણ તેમણે સૂચન કર્યું હતું. દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને જોતાં આવનારો યુગ ઈલેક્ટ્રિક કે ઈલેક્ટ્રોનિક વાહનોનો હશે. કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે 2030 સુધીમાં લગભગ તમામ વાહનો ઇલેક્ટ્રિક હશે. મહારાષ્ટ્ર સરકારે તમામ સરકારી અને વહીવટી સંસ્થાઓને 31 ડિસેમ્બર, 2021 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટેના આદેશો જારી કર્યા હતા. આ વાહનોની ખરીદી યોગ્ય રીતે થઈ નથી કારણ કે પૂરતા ચાર્જિંગ પોઈન્ટના અભાવે વાહનોના ચાર્જિંગની સમસ્યા ઊભી થશે. 
  ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધશે તો તેને ચાર્જ કરવાની સમસ્યા ગંભીર બનશે. ડેપ્યુટી મેયરે સ્પષ્ટતા કરી હતી કે મીરા ભાયંદર શહેરમાં તે દિશામાં પગલાં ભરવા પડશે. 
  ડેપ્યુટી મેયરે કમિશનરને લખેલા પત્રમાં માંગણી કરી છે કે શહેરના વિકાસકર્તાઓએ ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પોઈન્ટના વિકલ્પ તરીકે બિલ્ડિંગના પાર્કિંગ ઝોનમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવા જરૂરી છે, એવું પણ સૂચન કર્યું હતું કે ભવિષ્યમાં શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને શહેરમાં નગરપાલિકા અથવા ખાનગી કંપનીઓ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરવાના પ્રયાસો કરવા જોઈએ.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust