અકસ્માત ટાળવા માટે મૉટરમૅન અને ગાર્ડ પર નજર રાખશે કૅમેરા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મોટરમેન દ્વારા સિગ્નલ લાલ હોવા છતાં ટ્રેન આગળ લઈ જવી, ગતિમર્યાદાનું ઉલ્લંઘન કરવું, એકાદ સ્ટેશન પર ટ્રેન ઊભી રાખવાનું ચુકાઈ જવું વગેરે કારણોસર અકસ્માત થવાની શક્યતા હોય છે. આથી લોકલ ટ્રેનનાં મોટરમેન અને ગાર્ડની હિલચાલ પર નજર રાખવા માટે મોટરમેનની કેબિનની અંદર અને બહાર સીસીટીવી કૅમેરા બેસાડવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ લીધો છે. કેન્દ્રીય રેલવે મંત્રાલયે આ પ્રકલ્પને પહેલાંથી જ મંજૂરી આપી દીધી છે.
મોટરમેન અને ગાર્ડ દ્વારા કોઈ ભૂલ થાય નહીં અને એ થતી હોય ત્યારે જ કન્ટ્રોલ રૂમ અથવા અન્ય સિસ્ટમ દ્વારા તાત્કાલિક એ તરફ ધ્યાન દોરી શકાય, રેલવે પ્રશાસન પાસે પણ પુરાવા ઉપલબ્ધ થઈ શકે વગેરે કારણોસર તકેદારીના પગલાં તરીકે આ સીસીટીવી કૅમેરા બેસાડવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત તેમનો સંવાદ રેકૉર્ડ કરી શકાય અને રેલવેની અન્ય સિસ્ટમ સાથે સીધો સંવાદ સાધી શકાય એ માટે ત્યાં રેકૉર્ડિંગ ઉપકરણ પણ બેસાડવામાં આવશે.
226 લોકલ ટ્રેનની કેબિનની અંદર અને બહાર આ સિસ્ટમ બેસાડવામાં આવશે એવી માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે આપી હતી. આ માટે 2.80 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે. બે મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂરી કરીને એ પછી છ મહિનાની અંદર કૅમેરા અને રેકૉર્ડિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે.
મધ્ય રેલવેમાં વધુ 605 કૅમેરા
રેલવે સ્ટેશન પરિસરમાં ગુનાખોરી પર અંકુશ આણવા ઉપરાંત મહિલા પ્રવાસીની સુરક્ષા માટે 2021માં 605 સીસીટીવી કૅમેરા બેસાડયા હોવાનું મધ્ય રેલવેએ જણાવ્યું છે. આ સાથે ઉપનગરીય સ્ટેશનો પરના કૅમેરાની સંખ્યા 3,122 થઈ છે.
લાઈટિંગ સિસ્ટમમાં ફેરફાર
કેટલાક સ્ટેશનોના પ્લેટફોર્મ પર અંધકાર અને અપૂરતા પ્રકાશને લીધે ચોરી અને અન્ય ઘટનાઓ બનતી હતી. આથી કુર્લા, થાણે, કલવા, આસનગાવ, શહાડ, ઉલ્હાસનગર, આટગાવ, ટિટવાલા સ્ટેશનની લાઈટિંગ સિસ્ટમમાં સુધારો કરાયો છે.
અકસ્માતનું પણ રૅકોડિંગ
મોટરમેનની કેબિનમાં સીસીટીવી બેસાડયા બાદ આ સિસ્ટમ રેલવેની ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે પણ જોડવામાં આવશે. લોકલ ટ્રેન પર પથ્થરમારો, સિગ્નલમાં ખામી, લાલ સિગ્નલ ઓળંગવું તથા અકસ્માત પણ કૅમેરામાં રેકોર્ડ થશે. એને લીધે મોટરમેન અને ગાર્ડ સાથે સંવાદ સાધીને ટ્રેનનું આગળનું આયોજન કરી શકાશે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust