રાષ્ટ્રવાદી અને શિવસેનાએ હાથ મિલાવતા મુંબઈ બૅન્કના અધ્યક્ષપદે સિદ્ધાર્થ કાંબળે

રાષ્ટ્રવાદી અને શિવસેનાએ હાથ મિલાવતા મુંબઈ બૅન્કના અધ્યક્ષપદે સિદ્ધાર્થ કાંબળે
અધ્યક્ષપદ ગુમાવતા પ્રવીણ દરેકરનું ભાજપમાં વજન ઘટવાની વકી
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 13 : શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે હાથ મિલાવતા મુંબઈ બૅન્કના અધ્યક્ષપદ માટે યોજાયેલી ચૂંટણીમાં સિદ્ધાર્થ કાંબળેનો વિજય થયો છે. જ્યારે તેમના હરિફ અને ભાજપના વિધાનપરિષદના સભ્ય પ્રસાદ લાડનો પરાભવ થયો છે. આ  સાથે આ બૅન્ક ઉપર લગભગ 23 વર્ષથી વર્ચસ ધરાવતા ભાજપના આગેવાન અને વિધાનપરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકરના હાથ હેઠાં પડયા છે. મુંબઈ બૅન્ક ઉપરથી વર્ચસ તૂટતાં પ્રવીણ દરેકરનું ભાજપમાં વજન ઘટે એવી સંભાવના છે. સિદ્ધાર્થ કાંબળે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા છે.
મુંબઈ બૅન્કની ચૂંટણી યોજાઈ તે પહેલા આજે સહ્યાદ્રી અતિથિગૃહ ખાતે નાયબ મુખ્ય પ્રધાન અને પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેની સૂચના અનુસાર શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકરએ મુંબઈ બૅન્કમાંના રાષ્ટ્રવાદી અને શિવસેનાના આગેવાનોની બેઠક યોજી હતી. તેમાં ભાજપને પરાજિત કરવાની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
પ્રવીણ દરેકર બે દાયકા કરતાં પણ વધુ સમયથી આ બૅન્ક ઉપર વર્ચસ ધરાવતા હતા. મુંબઈમાં સહકાર ક્ષેત્રમાં મુંબઈ બૅન્ક અગત્યની છે. આ બૅન્ક ઉપર કબજો હોવાનો અર્થ મોટા આર્થિક કેન્દ્ર ઉપર પકડ મેળવવી એવો થાય છે. તેથી શિવસેનાના મોવડીઓએ મિલિંદ નાર્વેકરને આ બૅન્ક ઉપરથી પ્રવીણ દરેકરનું વર્ચસ તોડવાની કામગીરી સોંપવામાં આવી હતી.
આ બૅન્કનું અધ્યક્ષપદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સિદ્ધાર્થ કાંબળેના હાથમાં આવ્યું છે પણ તેનો ફાયદો મહાવિકાસ આઘાડીમાંના સાથી પક્ષો શિવસેના અને કૉંગ્રેસ બંનેને પણ થવાનો છે.
પ્રવીણ દરેકર `મજૂર'ની કેટેગરીમાંથી ચૂંટાતા હોવાનો અહેવાલ થોડા સમય પહેલા પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થયા પછી મહારાષ્ટ્રના સહકાર ખાતા તરફથી તેમને નોટિસ મોકલવામાં આવી હતી. દરેકર વિધાનપરિષદના સભ્યપદે ચૂંટાયા ત્યારે પોતાની પાસે કરોડોની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હોવાથી તેઓ પોતાને મજૂર કેવી રીતે ગણી શકાય? એવો પ્રશ્ન નોટિસમાં ઉઠાવવામાં આવ્યો હતો. બાદમાં દરેકરને અપાત્ર ઠેરવવામાં આવ્યા હતા.
મુંબઈ પાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપને આ એક આંચકો સહન કરવો પડયો છે. આ પરાભવ પછી ભાજપમાં પ્રવીણ દરેકરનું વજન ઘટે એવી સંભાવના છે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer