મુખ્ય પ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે વડા પ્રધાનનું મહામંથન

મુખ્ય પ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે વડા પ્રધાનનું મહામંથન
મહેનત એકમાત્ર પથ, વિજય એક માત્ર વિકલ્પ : મોદી
નવીદિલ્હી, તા.13: દેશમાં વધેલા કોરોનાના પ્રકોપ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લગભગ તમામ રાજ્યોનાં મુખ્યપ્રધાનો ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. આજે મળેલી આ બેઠકમાં રાજ્યોમાં વધતા કેસ, રસીકરણ, બુનિયાદી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે પાબંદીઓ વિસ્તારવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓને સંબોધીને કહ્યું હતું કે, એક સદીની સૌથી મોટી મહામારીમાં ભારતની લડાઈ હવે ત્રીજા વર્ષમાં પ્રવેશી ગઈ છે. મહેનત આપણો એકમાત્ર પથ છે અને વિજય એકમાત્ર વિકલ્પ. આપણે 130 કરોડ ભારતીય પોતાના પ્રયાસોથી કોરોના સામે જીતીને જ નીકળીશું. તેમણે આગળ કહ્યું હતું કે, ઓમિક્રોન અંગે જે કંઈપણ સંશયની સ્થિતિ હતી તે હવે ધીમેધીમે સાફ થઈ રહી છે. અગાઉ જે વેરિયન્ટ હતા તેની તુલનામાં ઓમિક્રોન વધુ તેજીથી લોકોને સંક્રમિત કરે છે. નવા વેરિયન્ટ આવે તો તેની સામે પણ લડતની તૈયારીમાં આપણે મજબૂત રહેવું પડશે. આપણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞો સ્થિતિનું આકલન કરી રહ્યા છે ત્યારે આપણે સતર્ક રહેવું અનિવાર્ય છે. તેમણે રસીકરણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અત્યારે ભારતના લગભગ 92 ટકા જેટલા વયસ્કોને કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે. બીજા ડોઝનો વ્યાપ પણ 70 ટકા જેટલો થઈ ગયો છે. માત્ર 10 દિવસમાં ભારતે 3 કરોડ જેટલા કિશોરોને પણ રસી આપી દીધી છે. મોદીએ આગળ કહ્યું હતું કે, પ્રિકોશન એટલે કે બૂસ્ટર ડોઝ જેટલી ઝડપથી અપાશે તેટલી જ સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત થશે. આજની આ બેઠકમાં મોદી, શાહ ઉપરાંત સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, પંજાબના ચરણજીતસિંહ ચન્ની, ત્રિપુરાના બિપ્લવ દેવ, આસામના હિમંત બિસ્વા સરમા સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર હતા.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer