બીકાનેરથી ગૌહાટી જતી ટ્રેનના 12 ડબા ખડી પડયા

બીકાનેરથી ગૌહાટી જતી ટ્રેનના 12 ડબા ખડી પડયા
કરુણ અકસ્માતમાં પાંચ પ્રવાસીના મૃત્યુ; ચાલીસથી વધુને ઈજા : રેલવે પોલીસ અને એનડીઆરએફ દ્વારા તત્કાળ રાહત અને બચાવ કાર્ય શરૂ
નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ) : પશ્ચિમ બંગાળનાં જલપાઇ ગુડીમાં ગુરુવારે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં સાંજે પાંચ વાગ્યે પાંચ રાજ્યોમાંથી પસાર થતી બીકાનેર-ગૌહાતી એકસપ્રેસ ટ્રેન પટણાથી ગૌહાતી જતી વખતે તેના 12 ડબ્બા પાટા પરથી ડોમોહાની પાસે ઉથલી પડતાં કમસેકમ પાંચ યાત્રિનાં કરુણ મોત થઇ ગયાં હતાં. તો 20થી વધુ યાત્રી ઘાયલ થયા હતા.
આ જીવલેણ દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરીને વિગતો જાણી હતી.
રેલવે તંત્ર તરફથી મૃતકોના પરિવારોને પાંચ-પાંચ લાખ, ગંભીર હદે ઘાયલોને એક-એક લાખ અને સામાન્ય ઇજા છે તેમને 25-25 હજાર રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી.
એનડીઆરએફની ટીમે ધસી જઇને રાહત-બચાવ અભિયાન આદર્યું હતું. ઘટનાસ્થળે 51 એમ્બ્યુલન્સ ધસી ગઇ હતી. રેલવે પ્રધાન અશ્વની વૈષ્ણવે કહ્યું હતું કે, બચાવકાર્યો વિશે વડાપ્રધાનને જાણકારી આપી છે. હું જાતે આવતીકાલે શુક્રવારે સવારે ઘટનાસ્થળની મુલાકાતે જઇશ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, રાજ્યના તમામ વરિષ્ઠ અધિકારી રાહતકાર્યો કરાવી રહ્યા છે.
રેલવે પોલીસ અને જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. દુર્ઘટનાગ્રસ્ત લોકોને ટ્રેનની બોગીમાંથી બહાર કાઢીને સ્થાનિક હોસ્પીટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
બીકાનેર એક્સપ્રેસના 12 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેમાં સવારીથી ભરેલા 4 ડબ્બા પુરી રીતે પલટી મારી ગયા હતા અને એક કોચ પાણીમાં ઉતરી ગયો હતો. જેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા તાબડતોબ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એનડીઆરએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલ યાત્રિકોને ઈલાજ પહોંચાડવા માટે 51 એમ્બ્યુલન્સ પણ રવાના કરી દેવામાં આવી હતી અને સિલીગુડીથી રિલિફ ટ્રેન મોકલવામાં આવી હતી. 
આ દરમિયાન બંગાળની મેડિકલ કોલેજને એલર્ટ આપી દેવાયું હતું અને તમામ ડોકટર તેમજ મેડિકલ સ્ટાફને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું.  ટ્રેન દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનિય છે કે ઘટના બની ત્યારે સીએમ મમતા બેનરજી કોરોનાની સ્થિતિને લઈને આયોજીત બેઠકમાં પીએમ મોદી સાથે વિડિયો કોન્ફરન્સીંગ સાથે જોડાયેલા હતા.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer