નવી દિલ્હી, તા.14: ગુજરાતની યુવા મહિલા બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીર અન્ડર-19 સિંગલ્સમાં દુનિયાની નંબર વન ખેલાડી બની છે. 16 વર્ષીય તસ્નીમ મીર આ ઉપલબ્ધિ હાંસલ કરનારી ભારતની પહેલી શટલર છે. આ સિદ્ધિ સાઇના નેહવાલ કે પીવી સિંધુ પણ તેમને જુનિયર કેરિયર દરમિયાન હાંસલ કરી શકી નથી, જે ગુજરાતની ખેલાઠી તસ્નીમ મીરે હાંસલ કરી છે. બીડબ્લ્યુએફ જુનિયર વિશ્વ ક્રમાંકની શરૂઆત 2011થી થઈ છે. સિંધુ ભૂતકાળ અન્ડર-19 વિશ્વ ક્રમાંકમાં બીજા ક્રમ સુધી પહોંચી હતી.
16 વર્ષીય તસ્નીમ મીર દેશની ભવિષ્યની સ્ટાર બેડમિન્ટન ખેલાડી માનવામાં આવે છે. તેના પિતા ગુજરાત પોલીસમાં આસિ. સબ ઇન્સ્પેક્ટર છે. તસ્નીમે ઇન્ટરનેશનલ જુનિયર લેવલે પાંચ ખિતાબ જીત્યા છે. જેમાં બલ્ગેરિયા જુ. ચેમ્પિયનશિપ, એલપ્સ ઇન્ટરનેશનલ અને બેલ્જિયમ જુનિયર સામેલ છે. તેણીના ખાતમાં હાલ 10081 રેટિંગ છે. સાત વર્ષથી બેડમિન્ટન રમવાનું શરૂ કરનાર તસ્નીમ મીરે 2017થી હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ એકેડેમીમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. હાલ તેણી 2020થી આસામમાં ગુવાહાટી એકેડેમીમાં શિફટ થઈ છે. તસ્નીમના પિતા ઇરફાન મીર પોલીસમાં ફરજરૂપ હોવા ઉપરાંત બેડમિન્ટન કોચ છે અને મહેસાણા પોલીસ બેડામાં કાર્યરત છે.
Published on: Sat, 15 Jan 2022
ગુજરાતની તસ્નીમ મીર જુ. બેડમિન્ટનમાં વિશ્વની નંબર વન બની
