કોરોના છતાં ભારતમાં આર્થિક રિકવરી અને વિકાસ ચાલુ રહેશે

કોરોના છતાં ભારતમાં આર્થિક રિકવરી અને વિકાસ ચાલુ રહેશે
ખાનગી સર્વેક્ષણમાં ઉદ્યોગ-ધંધાના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો
નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ ) : કોવિડના કેસોની સંખ્યા વધી રહી હોવા છતાં દેશના આર્થિક વિકાસ અને વિસ્તાર વિષે ઉદ્યોગધંધાના અગ્રણીઓમાં ઊંચો આશાવાદ અને આત્મવિશ્વાસ હોવાનું એક સર્વેક્ષણમાં જણાયું છે. ડેલોઈટ ટ્યૂશ તોમાત્સુ ઇન્ડિયા કંપનીએ બજેટ અગાઉ કરેલા આ સર્વેક્ષણમાં દસ ઉદ્યોગના 163 અગ્રણીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 75 ટકાથી વધુ વ્યક્તિઓએ દેશના આર્થિક વિકાસ વિષે આશાવાદ પ્રગટ કર્યો હતો.  
આત્મનિર્ભર ભારતની પહેલ અને રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની નાણાનીતિ એ અર્થતંત્રને ફરી પડે ચડાવવામાં મદદ કરી છે એમ 91 ટકા પ્રતિભાવકોએ કહ્યું હતું. એક વર્ષ અગાઉ આ ટકાવારી 58 હતી.  
કંપનીના પ્રેસ રિલીઝ અનુસાર વર્ષ 2022-23 માટેનું અંદાજપત્ર આ પ્રક્રિયાને આગળ ધપાવશે એમ આ અગ્રણીઓ માને છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું અંદાજપત્ર સંસદમાં રજુ કરશે.  
ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ માટે લાંબાગાળાના રોકાણકારોને કરવેરામાં વધુ પ્રોત્સાહન આપવામાં આવે તો દેશમાં વિકાસ વધી શકે એમ 55 ટકા જેટલા બિઝનેસ લીડરો માને છે.   ઉપરાંત 45 ટકા જેટલા પ્રતિભાવકોએ કહ્યું છે કે બજેટમાં સંશોધન અને વિકાસ પર ખર્ચ વધે એ વિષે ધ્યાન આપવું જોઈએ. તેને લીધે લાઈફ સાયન્સ, અૉટોમોબાઇલ, કેપિટલ ગૂડ્સ, ટેક્નૉલૉજી અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોને લાભ થશે.  
નિકાસ ક્ષમતામાં વધારો, યોગ્ય આયાત જકાત, અને સરકારી પ્રક્રિયાઓમાં બિનકાર્યક્ષમતામાં ઘટાડો જેવી અપેક્ષાઓ પણ આ અગ્રણીઓએ વ્યક્ત કરી હતી.  
સર્વેક્ષણના પરિણામો વિષે પ્રતિભાવ આપતા ડેલોઈટના પાટર્નર સંજય કુમારે કહ્યું હતું કે 2021-22માં અર્થતંત્રમાં સ્થિર રિકવરી થઇ છે. ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે એસેટ મોનિટાઇઝેશન અને પીએલઆઇ સ્કીમ જેવા સુધારાના પગલાંનો અમલ કરવાનું સરકાર ચાલુ રાખે તો ભારતનું અર્થતંત્ર વિકાસની ઝડપ જાળવી રાખશે એમ તેમણે કહ્યું હતું.  
સ્ટાર્ટ અપ્સની પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે અને સરકાર પ્રોત્સાહક નીતિઓ અખત્યાર કરી રહી છે એ જોતા ભારતમાં બિઝનેસ કરવાનું સરળ બનશે અને તેને લીધે ઝડપી આર્થિક રિકવરી થશે એવો અભિપ્રાય મોટાભાગના બિઝનેસ લીડરોએ આપ્યો હતો.  
ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન, ટૅક્સ પદ્ધતિનું સરળીકરણ, અને જમીન તથા શ્રમ કાયદાઓમાં સુધારાથી ભારતમાં ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસમાં વધારો થશે, એમ બિઝનેસના આ અગ્રણીઓએ કહ્યું હતું.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer