નાણાં વિભાગના વાંધા છતાં સેનાના વિધાનસભ્યનો રૂપિયા 4.3 કરોડનો દંડ માફ કરાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહા વિકાસ આઘાડી સરકારે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની માલિકીના થાણે ખાતેના સંકુલના ગેરકાયદે માળાઓ પર રૂા. 4.3 કરોડના દંડ અને વ્યાજને માફ કરવાના લીધેલા નિર્ણય સામે રાજ્યના નાણાં વિભાગે જોરદાર વાંધો ઊઠાવ્યો હતો.
હકીકતમાં નાણાં વિભાગે અન્ય માટે સબક બની રહે એટલા માટે બે ગણા દંડનું સુચન કર્યું હતું. આ માફી બુધવારે રાજ્યની કેબિનેટમાં આપવામાં આવી હતી.
માફીનો આ પ્રસ્તાવ શિવસેનાના હાથમાંના શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતો હતો. કેબિનેટમાં તેના પર ચર્ચા કર્યા વિના તેને પસાર કરવામાં આવ્યો હતો.
સરનાઈક હાલ મની લોન્ડરિંગ આરોપોમાં એન્ફોર્સ ડિરેકટોરેટ (ઈડી)ની તપાસનો સામનો કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના નાણાં વિભાગે આ માફી સામે વાંધો ઊઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેનાથી અન્ય ગેરકાયદે બાંધકામોના માલિકો દ્વારા માફી માટે અરજી કરવાનો ખોટો ચીલો પડશે.
નાણાં વિભાગે જણાવ્યું હતું કે, આ બાંધકામ પરવાનગી વિના કરવામાં આવ્યું હતું અને તેના પર દંડ લાગવો જોઈએ. 
નાણાં વિભાગે એવું પણ સૂચન કર્યું હતું કે, આ ગેરરીતિ ઘણી જ ગંભીર હોવાથી શહેરી વિકાસ વિભાગે બમણો દંડ લાદવાનો વિચાર કરવો જોઈએ, જેથી અન્યો પર તેની અસર થાય અને તેઓ આવું કરતાં અટકે.
નાણાં વિભાગે એમ પણ જણાવ્યું હતું કે, દંડની આ રકમ માફ કરવામાં આવશે તો થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક ગુમાવવી પડશે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust