મુંબઈ મહાપાલિકાના વ્હોટ્સ એપ નંબર ઉપર મળશે 80 કરતા વધુ સુવિધાઓ

મુંબઈ મહાપાલિકાના વ્હોટ્સ એપ નંબર ઉપર મળશે 80 કરતા વધુ સુવિધાઓ
24 કલાક ઉપલબ્ધ વ્હોટ્સ એપ ફોન નંબર 8999-22-8999
મુંબઈ, તા.14 :  બૃહનમુંબઈ મહાનગર પાલિકાના વ્હોટ્સ એપ ચેટ બોટ સુવિધાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના હસ્તે લોકાર્પણ કરાયું છે. મોબાઈલ વ્હોટ્સ એપ ઉપર પાલિકાની 80 કરતાં વધુ સેવા સુવિધા તથા સંબંધિત માહિતી મળશે. ફોન નંબર 8999-22-8999 ઉપર 24 કલાક આ સુવિધા ઉપલબ્ધ રહેશે. 
વ્હોટ્સ એપ ચેટ બોટ સુવિધાની વિશેષતાઓ :- મહાપાલિકાની વ્હોટ્સ એપ ચેટબોટ સુવિધા 8999-22-8999 ફોન નંબર ઉપર ઉપલબ્ધ છે. આ ફોન નંબર ઉપર મરાઠીમાં `નમસ્કાર' અને અંગ્રેજીમાં `નમસ્તે' અથવા `હાઈ' લખ્યા બાદ મહાપાલિકાના ચિન્હ સહિત અધિકૃત જવાબ મળશે. આ જવાબ મળ્યા બાદ મરાઠી કે અંગ્રેજી એમ બે વિકલ્પ મળે છે. તે પૈકી એક વિકલ્પ ઉપર પસંદગી ઉતાર્યા બાદ નાગરિક, વ્યવસાય અથવા પર્યટક એમ ત્રણ વિકલ્પ ઉપલબ્ધ કરાશે જેમાં કોઈપણ એક વિકલ્પની પસંદગી બાદ વિકલ્પ અનુસાર મહાપાલિકાની સેવા - સુવિધા સંબંધિત વિકલ્પ નાગરિકને ઉપલબ્ધ કરાશે. જે જે વિકલ્પની પસંદગી કરાશે તે તે વિકલ્પ અનુસાર લગભગ 80 સેવા સુવિધા બાબતે નાગરિકોને તે સંબંધિત સરનામા, ફોન નંબર, સંક્ષિપ્ત માહિતી આપવામાં આવશે.
આ સુવિધાઓ હેઠળ ઉપલબ્ધ થતી 80 જેટલી સેવા - સુવિધા અંગે માહિતી લૉકેશન આધારિત પધ્ધતિથી હોવાથી જે ઠેકાણે નાગરિક છે તે વિસ્તારના મહાપાલિકાના 24 વૉર્ડમાંથી તેની નજીકના વૉર્ડની માહિતી તેને આપવામાં આવશે. લોકેશન આધારિત આ સુવિધાને પગલે શખસની નજીકના મહાપાલિકાના દવાખાના, હૉસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, મનપા શાળા, ઉદ્યાન, બગીચા, પર્યટનસ્થળ, અગ્નિશમન કેન્દ્ર વગેરે બાબતની માહિતી તેને ઉપલબ્ધ કરાશે. આ સુવિધા દ્વારા ફરિયાદ તથા સૂચના કરવાની સેવા ઉપલબ્ધ હશે.
મહાપાલિકાની વિવિધ સેવા સુવિધા સંબંધિત અરજી કરવાની સુવિધા હશે. મહાપાલિકાની વિવિધ પ્રકારની ફી, કર વગેરે ભરવા માટે યુપીઆઈ આધારિત અૉનલાઈન સેવા ઉપલબ્ધ કરાઇ છે. મહાપાલિકાની હદ અને વિસ્તારની તમામ માહિતી ઉપરાંત વિવિધ સેવા સુવિધા સંબંધિત પ્રમાણપત્ર, પરવાના વગેરે વિષયની માહિતી ઉપલબ્ધ કરાઇ છે. આ સુવિધા દિવસના 24 કલાક અને અઠવાડિયાના સાત દિવસ મોબાઈલમાં વ્હોટ્સ એપ દ્વારા ઉપલબ્ધ છે. નાગરિકો ઘર બેઠા હવે પોતાના પાલિકાને લગતા કામ તેમ જ માહિતી મેળવી શકશે. આ સેવા માટે કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer