સલમાને ફાર્મના પાડોશી સામે માંડયો બદનક્ષીનો દાવો, જજે વચગાળાની રાહત નકારી

સલમાને ફાર્મના પાડોશી સામે માંડયો બદનક્ષીનો દાવો, જજે વચગાળાની રાહત નકારી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : અભિનેતા સલમાન ખાને પનવેલમાં પોતાના ફાર્મહાઉસના પડોશી કેતન કક્કડ સામે બદનક્ષીનો દાવો માંડયો છે, પણ શુક્રવારે મુંબઈ સિટિ સિવિલ કોર્ટે આ કેસમાં સલમાનને કોઈ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. 
સલમાનનો એવો આક્ષેપ છે કે કેતન કક્કડે એક યુ-ટયૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મારી બદનામી કરી હતી. જજે કેતન કક્કડને જવાબ ફાઈલ કરવાની સૂચના આપી હતી અને કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ કરવાની જાહેરાત કરી હતી. 
કેતન કક્કડ ખટલો પૂરો ન થાય ત્યાં સુધી કોઈ વધુ બદનક્ષી ન કરે એ માટે સલમાન ખાન વતી તેના વકીલોએ વચગાળાની રાહત કોર્ટ પાસે માગી હતી. જોકે, કક્ડના વકીલોએ આનો વિરોધ કરતા કહ્યું હતું કે અમને કેસ સંબંધેના પેપરો હજી ગુરુવારે સાંજે જ મળ્યા છે અને આ ખટલાની વિગતોની પણ અમને પૂરેપૂરી ખબર નથી. આ કેસમાં કોઈ ઉતાવળની જરૂર જ નથી અને જો સલમાન ખાન એક મહિના બાદ ખટલો દાખલ કરી શક્તો હોય તો અમારા અસીલ (કેતન કક્ડ)ને પણ સમય મળવો જોઈએ. 
સલમાન ખાને કોર્ટમાં દાખલ કરેલા ખટલાની વિગતો મુજબ કેતન કક્કડે એક યુ-ટયૂબરને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેતા વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો કર્યા હતા. યુ-ટયૂબના શૉમાં અન્ય બે જણે પણ ભાગ લીધો હતો અને તેમને પણ કેસમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. સલમાને યુ-ટયૂબ, ફેસબુક, ટ્વીટર અને ગૂગલ પણ કેસમાં પાર્ટી બનાવ્યા છે અને બદનક્ષીભર્યો વીડિયો બ્લોક કરવાની માગણી કરી છે. 
સલમાને કોર્ટને કહ્યું હતું કે કેતન કક્ડડ મારી કે મારા ફાર્મ હાઉસ સામે કોઈ વધુ સામગ્રી પ્રકાશિત ન કરે એ માટે તેમને અટકાવતો વચગાળાનો ઓર્ડર કોર્ટે આપવો જોઈએ, પણ જજે આપ્યો નહોતો.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust