31 જાન્યુઆરીથી બજેટ સત્રનો આરંભ

31 જાન્યુઆરીથી બજેટ સત્રનો આરંભ
પહેલી ફેબ્રુઆરીએ બજેટ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 8 એપ્રિલ દરમિયાન બે ભાગમાં યોજાશે. રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ દ્વારા 31 જાન્યુઆરીએ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન દ્વારા બજેટ સત્રનો પ્રારંભ થશે. પહેલી ફેબ્રુઆરીએ સવારે 11.00 વાગ્યે લોકસભામાં 2022-'23 માટેનું અંદાજપત્ર રજૂ થશે, એમ એક સત્તાવાર નિવેદન જણાવે છે.   
બજેટ સત્રનો પ્રથમ હિસ્સો 11 ફેબ્રુઆરીએ પૂરો થશે. ત્યાર પછી એકાદ મહિનાના અંતરાલ બાદ 14 માર્ચે બજેટ સત્રનો બીજી હિસ્સો શરૂ થશે, જેમાં વિવિધ મંત્રાલયોની માગણીઓ પર વિચારણા થશે. 8 એપ્રિલે બજેટ સત્રની પૂર્ણાહૂતિ થશે. તા. 18 માર્ચના રોજ હોળી નિમિત્તે સંસદની બેઠક મળશે નહિ. 
`રાજ્યસભાનું 256મું સત્ર સોમવાર, તા. 31 જાન્યુઆરીથી બોલાવવામાં આવ્યું છે અને સરકારી કામકાજને આધીન, 8 એપ્રિલે પૂરું થશે. આ દરમિયાન અધ્યક્ષ શુક્રવાર તા. 11 ફેબ્રઆરીએ સત્રને મોકૂફ રાખવાની અને 14 માર્ચ 2022ના રોજ પુન: બોલાવવાની જાહેરાત કરશે, જેથી વિવિધ વિભાગો સાથે સંલગ્ન સંસદીય સમિતિઓ પોતપોતાના વિભાગો માટેની ગ્રાન્ટની માગણીઓ પર વિચરણ કરીને પોતાનો અહેવાલ તૈયાર કરી શકે,' એમ સંસદીય બાબતોના મંત્રાલયનો એક પરિપત્ર જણાવે છે.  
તાજેતરમાં સંસદના 400થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જણાયા છે. તેને પગલે લોકસભાના સ્પીકર અને  રાજ્યસભાના અધ્યક્ષે પરિસ્થિતિની સમીક્ષા કરીને બજેટ સત્રમાં બંન્ને ગૃહોનું કામકાજ સરળતાથી ચાલે એ માટેની વ્યવસ્થા તૈયાર કરવાની સૂચના આપી છે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust