પોલીસે ગાજીપુર ફૂલ બજારમાં બૉમ્બ નિક્રિય કર્યો

પોલીસે ગાજીપુર ફૂલ બજારમાં બૉમ્બ નિક્રિય કર્યો
પ્રજાસત્તાક દિન પહેલા દિલ્હીને ધ્રુજાવવાનું કારસ્તાન પકડાયું
નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ): પ્રજાસત્તાક દિન સમારંભની તડામાર તૈયારીઓ વચ્ચે દેશની રાજધાની દિલ્હીના ગાજીપુર ફૂલબજારમાં શુક્રવારે સવારે એક નધણિયાતી બૅગ મળી આવતાં ધમાચકડી મચી ગઈ હતી. સૂચના મળતાં જ પોલીસ, બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને અગ્નિશમન દળની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતાં બૅગમાંથી આઈઈડી (ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) વિસ્ફોટક મળી આવ્યો હતો. મામલાની ગંભીરતાં જોતાં એનએસજી અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગાજીપુર ફૂલબજારમાં આઈઈડી વિસ્ફોટક મળ્યા બાદ આતંકવાદીઓએ દિલ્હી જ નહીં પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવાનો જે કારસો રચ્યો હતો એને સુરક્ષાબળોએ નિષ્ફળ કરી દીધો છે. આઈઈડીનું પ્રમાણ જોઈને એનએસજીએ એને નિક્રિય કરવા માટે ઊંડો ખાડો ખોદવાનું નક્કી ર્ક્યું હતું. એ પછી જેસીબીની મદદથી ખાડો ખોદીને બૉમ્બ નિક્રિય કરાયો હતો. 
દિલ્હી પોલીસે આ સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલ તપાસ કરી રહી છે અને એક્સપ્લોસિવ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એનએસજીએ બૉમ્બ નિક્રીય કર્યા બાદ માહીતી આપી હતી કે, ગાજીપુરની ફૂલબજારમાંથી મળેલા આઈઈડીને નિક્રીય કરી દેવાયો છે. ટીમે આઈઈડીના નમૂના એકઠા કર્યા છે અને એ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા રાસાયણિક તત્વોની તપાસ કરીને અહેવાલ રજૂ કરશે. આઈઈડીનું વજન લગભગ ત્રણ કિલો હતું. દિલ્હી પોલીસ દ્વારા સવારે લગભગ 11 વાગ્યે એનએસજીને આ વિશે માહિતી આપવામાં આવી હતી. એનએસજીએ લગભગ 1.30 વાગ્યે બૉમ્બ નિક્રીય ર્ક્યો હતો. ફૉરેન્સિક ટીમ પણ આ વખતે ઉપસ્થિત રહી હતી. 
દિલ્હી (પૂર્વ)માં ગાજીપુર ફૂલબજારમાં નધણિયાતી બૅગ મળ્યા બાદ ધમાચકડી મચી ગઈ હતી અને સવારે 10.30 વાગ્યે ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના વિસ્તારને ખાલી રાવ્યો હતો. બૉમ્બ નિક્રીય કરવાના વીડિયોમાં વિસ્ફોટક મોટા પ્રમાણમાં હોવાનું જોવા મળે છે.
આ ઘટના બાદ એનએસજી અને નવી દિલ્હી પોલીસદળે એલર્ટ જાહેર કર્યો છે. તપાસ ટીમે બજારની આસપાસ મૂકાયેલા તમામ સીસીટીવી કૅમેરાની ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. આઇઇડી અંગે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે ભારે તીવ્રતા ધરાવતા આઇઇડીમાં 2.7 કિલોગ્રામ આરડીએકસ, 1.3 કિલોગ્રામ લોખંડ, કોડેકસ વાયર. ઇલેક્ટ્રિક ડિટોનેટર, ડિજીટલ ટાઈમર હતું. તેને ખાડામાં જ નિક્રિય કરી દેવાયો હતો.
સૂત્રો અનુસાર આગામી ગણતંત્ર દિવસ પહેલા આતંકવાદી સંગઠન મોટા હુમલાની તૈયારીમાં હતું અને તેને અંજામ આપવા માટે અતિવ્યસ્ત ગણાતા ગાઝીપુર ફૂલબજારને નિશાન બનાવાયુ હતું. 
જોકે, તેમના પ્રયાસોને પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસની વિશેષ ટીમે બજારની આસપાસના 15 સીસીટીવી કૅમેરાની વીડિયો ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. બૉમ્બ મુકાયા પહેલા વિસ્તારની રેકી કરાઈ હોવાનો અંદાજ પોલીસે વ્યકત કર્યો છે. 
નોંધનીય છે કે નવમી ડિસેમ્બરે રોહિણી કોર્ટમાં બૉમ્બધડાકો કરાયો હતો. આ મામલે પોલીસે વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust