ઘઉંના લોટની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લદાય

ઘઉંના લોટની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લદાય
નવી દિલ્હી, તા. 19 : ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકાયા પછી તાજેતરમાં ઘઉંના લોટની નિકાસમાં અચાનક ઉછાળો આવતાં સરકારે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઘઉંની નિકાસબંધીની જાહેરાતમાં ઘઉંના લોટનો સમાવેશ કરાયો ન હોવાથી કેટલાક લોકોએ આ છટકબારીનો લાભ લઈ ઘઉંના લોટની નિકાસ ખૂબ જ વધારી દીધી હતી.
હવે ગમે ત્યારે ઘઉંના લોટ અને મેંદાની નિકાસ પરનું નોટિફિકેશન જાહેર થશે.
ઘઉંના લોટની નિકાસ સંપૂર્ણ બંધ નહીં થાય, પરંતુ જે લોકો વર્ષોથી તેની નિકાસ કરતા હોય અને જેમનો ટ્રેક રેકોર્ડ સારો હોય તેઓ જ એની નિકાસ કરી શકશે.
વિશ્વસનીય સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ઘઉંની નિકાસબંધી બાદ ઘઉંના લોટની નિકાસમાં લગભગ સાતથી આઠ ગણો વધારો નોંધાયો છે. વર્ષના આ સમયે ઘઉંના લોટની નિકાસ દર મહિને લગભગ 6000થી 8000 ટન જેટલી થતી હોય છે, પણ ઘઉંની નિકાસબંધીથી અત્યાર સુધીમાં ઘઉંના લોટની નિકાસ લગભગ એક લાખ ટન થઈ ગઈ છે.
ગયા વર્ષે ઘઉંના લોટની નિકાસ 2470 લાખ ટન હતી, જેમાં આ વર્ષે લગભગ 64 ટકાનો વધારો થયો હતો. જોકે તેનાથી વિરુદ્ધમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ 274 ટકા વધીને 21.2 લાખ ટન થઈ હતી.
ઘઉંના નિકાસ પરના પ્રતિબંધને ચાતરી જવા ઘણા વેપારીઓ ઘઉંના લોટની નિકાસ તરફ વળી રહ્યા હોવાથી ઘઉંની ફલોર મિલોને પુષ્કળ પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં વાણિજય પ્રધાન પીયૂષ ગોયલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જે લોકો ઘઉંની નિકાસ માટે ગેરકાયદેસર અથવા પાછલી તારીખની લેટર્સ અૉફ ક્રેડિટ (એલસી)નો ઉપયોગ કરે છે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.
નિકાસબંધીની જાહેરાત પહેલાં જે કોન્ટ્રાકટની એલસી ખોલાવાઈ ચૂકી હશે તેમને નિકાસની મંજૂરી મળી શકશે.
વરિષ્ઠ સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભારત તેના પાડોશી દેશોની વાસ્તવિક જરૂરતને જરૂર પૂરી કરશે. આ માટે ભારત સરકાર ઘઉંની જરૂરિયાતવાળા દેશોની સરકાર સાથે ડાયરેકટ કોન્ટ્રાકટ કરશે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer