દૂધના ઊભરા જેવા ઉછાળા વચ્ચે મંદીના સંકેત

દૂધના ઊભરા જેવા ઉછાળા વચ્ચે મંદીના સંકેત
નવા સપ્તાહમાં વેચવાલીનું વર્ચસ રહેવાની શક્યતા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : શૅરબજારમાં પાછલા અઠવાડિયે સતત છ સેશન દરમિયાન નિફ્ટી-સેન્સેક્ષ સતત ઘટાડે રહ્યા હતા. શૅરબજારમાં આ પ્રકારના લાંબા સમય ઘટાડાનો ટ્રેન્ડ ભાગ્યે જ જોવા મળે છે. વૈશ્વિક મંદીના ભણકારા, મોટા ભાગની આંતરરાષ્ટ્રીય બૅન્કોનો એકસાથે વ્યાજદર વધારો અને રિઝર્વ બૅન્કનો સતત બીજા દર વધારા સાથે રશિયા-યુક્રેન યુદ્ધની ત્રિવિધ અસરથી મોટા ભાગનાં શૅરબજારો ઘટાડો દર્શાવતા રહ્યાં છે.
આ પ્રકારના માહોલને કારણે સમીક્ષકો પણ પોતાના અભિપ્રાયમાં સ્પષ્ટ અંદાજ આપી શકતા નથી.
એન્જલ બ્રોકિંગના એનલિસ્ટ સુમિત ચૌહાણે જણાવ્યું છે કે `વર્ષ 2020 (જુલાઈ) પછી ઇન્ડેક્સ 89 એમએ નીચે ક્વોટ થયો છે. જે બ્રેક ડાઉનનો સંકેત છે. જેથી તેજીવાળાઓએ ચેતી જવું જોઈએ. અગાઉ મે 2021માં 15,400 અને 15,600ના સ્તરે નક્કી હતો. જેથી દૈનિક ચાર્ટ પર સકારાત્મક બદલાવતો સંકેત હતો. આ તબક્કે જો નીચા તળિયાના ભાવ જોવા મળે અને ભાવ ઊંચા ક્વૉટ થાય તો શૅરબજારના ટ્રેન્ડ બાબતે અમે હજુ નિશ્ચિત કરી શકીએ તેમ નથી.' દરમિયાન શુક્રવારે નિફ્ટીમાં દૈનિક ધોરણે ડોજી કેન્ડલ તૈયાર થઈ છે. જ્યારે સાપ્તાહિક ધોરણે મંદીના સંકેત હોવાથી શૅરબજાર હજુ નકારાત્મક કહી શકાય.
શેરખાનના એનાલિસ્ટ ગૌરવ રત્નાપારખીએ જણાવ્યું કે `શુક્રવારે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન ઉછાળા છતાં નિફ્ટી 15,400ની ઉપર ટકવામાં સફળ થયો નથી. તે કારણે આગામી સમયકાળમાં ઇન્ડેક્સ વધુ ઘટવાનાં એંધાણ છે. ટૂંકાગાળાનો લક્ષ્યાંક 15,100થી 15,000 ગણી શકાય. જ્યારે ઉપરમાં 15,400 અને 15,550 મુખ્ય પ્રતિકાર ઝોન બને છે.
સ્વતંત્ર એનાલિસ્ટ મનીષ શાહે જણાવ્યું હતું કે મંદીના ખેલાડીઓએ બજારમાં ભારે દબાણ ઊભું કર્યું છે. નિફ્ટી 15,200નું સ્તર તોડે તો 14,900 સુધી નીચે આવી શકે છે. પ્રત્યેક દિવસે વધુને વધુ મોટી વધઘટની અપેક્ષા છે. જો 15,400 ઉપર ટકે તો 15,700 આવશે. એન્જલ બ્રોકિંગના ચંદન તપારિયાએ જણાવ્યું છે કે `સમગ્ર બજારની સરખામણીએ ઇન્ડેક્સમાં થોડું પ્રતિકાત્મક સકારાત્મક વલણ જોવાયું છે. જેથી દૈનિક ધોરણે બુલીશ કેન્ડલની રચના છતાં અઠવાડિક રીતે તો મંદીના સ્પષ્ટ સંકેત છે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer