નોર્થ સાઉન્ડ (એન્ટિગ્વા) તા.19 : પ્રવાસી બાંગલાદેશની ટીમ વિરૂધ્ધના પહેલા ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો 7 વિકેટે સંગીન વિજય થયો છે. આથી બે મેચની શ્રેણીમાં વિન્ડિઝ 1-0થી આગળ થયું છે. બીજી ઇનિંગમાં વિન્ડિઝને જીત માટે 84 રનનું મામૂલી લક્ષ્યાંક મળ્યું હતું. જે આજે મેચના પાંચમા અને આખરી દિવસે લંચ પહેલા 3 વિકેટે ગુમાવીને 88 રન કરીને જીત મેળવી હતી. બીજા દાવમાં વિન્ડિઝ તરફથી કેમ્પબેલે અણનમ 58 રન કર્યાં હતા. પ્લેયર ઓફ ધ મેચ ફાસ્ટ બોલર ક્રેમર રોચે બાંગલાદેશના બીજા દાવમાં 53 રનમાં 5 વિકેટ લીધી હતી.
પહેલા દાવમાં 103 રનમાં ઓલઆઉટ થનાર બાંગલાદેશની ટીમ ગઇકાલે તેના બીજા દાવમાં 245 રન બનાવી શકી હતી. કપ્તાન શકિબ અલ હસને મેચની સતત બીજી અર્ધસદી કરીને 63 અને વિકેટકીપર નરુલ હસને 64 રન બનાવ્યા હતા. વિન્ડિઝના પહેલા દાવમાં 265 રન થયા હતા.
ક્રેમર રોચે મહાન હોલ્ડિંગની બરાબરી કરી
વેસ્ટ ઇન્ડિઝના ક્રેમર રોચ તેના દેશના પૂર્વ મહાન ઝડપી બોલર માઇકલ હોલ્ડિંગના રેકોર્ડની બરાબરી કરી છે. હોલ્ડિંગે વિન્ડિઝ તરફથી 60 ટેસ્ટમાં 249 વિકેટ લીધી હતી. રોચે તેના 72મા ટેસ્ટમાં આ આંકડાને સ્પર્શ કરીને હોલ્ડિંગની બરાબરી કરી છે. આ સાથે જ રોચ વિન્ડિઝ તરફથી સર્વાધિક વિકેટ લેનારો બોલરોની સૂચિમાં સંયુકત રીતે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. તેનાથી આગળ કર્ટની વોલ્શ (619), કર્ટલી એમ્બ્રોસ (405), મેલ્કમ માર્શલ (376), લાન્સ ગિબ્સ (309) અને જોએલ ગાર્નર (259) છે.
Published on: Mon, 20 Jun 2022
પહેલી ટેસ્ટમાં બાંગલાદેશ સામે વિન્ડિઝનો 7 વિકેટે વિજય
