ટોક્યો ઓલિમ્પિક્સ બાદ નિરજ ચોપરાને પહેલો ગોલ્ડ મેડલ

ટોક્યો ઓલિમ્પિક્સ બાદ નિરજ ચોપરાને પહેલો ગોલ્ડ મેડલ
ફિનલેન્ડની સ્પર્ધામાં મુશ્કેલ પરિસ્થિતિમાં સુવર્ણ ચંદ્રક કબજે કર્યો
કુઓર્તાને (ફિનલેન્ડ), તા.19: ભારતીય સ્ટાર એથ્લેટ નિરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક બાદ પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. ફિનલેન્ડમાં કુઓર્તાને ગેમ્સમાં જ્વેલિયન થ્રોઅર નિરજ ચોપરાએ મુશ્કેલ પરિસ્થિતિમાં સુવર્ણ ચંદ્રક તેનાં નામે કર્યો હતો. વરસાદને લીધે ફિલ્ડ પર ઘણું પાણી હતું. જેના લીધે નિરજ એકવાર પડી પણ ગયો હતો. આમ છતાં તેણે 86.89 મીટરનો થ્રો કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. ફિલ્ડમાં પાણી હોવાથી નિરજ ચોપરા ત્રીજા પ્રયાસે લપસી ગયો હતો. જો કે તે ઇજાથી બચી ગયો હતો. નિરજ ચોપરાએ આ સ્પર્ધામાં 2012ના લંડન ઓલિમ્પિકના ચેમ્પિયન ત્રિનિદાદ અને ટોબેગોના ખેલાડી કેશોર્ન વોલકોટને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વોલકોટે 86.64 મીટરનો થ્રો કર્યો હતો. તે રિયો ઓલિમ્પિકમાં પણ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ વખતે તેને બીજા સ્થાનથી સંતોષ કરવો પડયો હતો. ગ્રેનેડાનો એન્ડરસન પીટર્સ ત્રીજા નંબરે રહ્યો હતો. નિરજ ચોપરાનું હવે પછીનું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનું છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ અમેરિકામાં 1પથી 24 જુલાઈ વચ્ચે રમાશે જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન બર્મિંગહામ ખાતે રમાશે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer