...તો પ્રાણી સંગ્રહાલયોને જંગલ અને બફર ઝોન્સમાં સ્થાયી કરી શકાશે

મુંબઈ, તા. 19 : જો પ્રાણી સંગ્રહાલયો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરશે તો તેમને જંગલો અને બફર ઝોન્સમાં પણ સ્થાયી કરી શકાશે, એમ પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું. જોક,ઁ નિષ્ણાતોએ આ પગલાંની ટીકા કરી હતી કારણ કે તેનાથી વન્યપ્રાણીઓ વેરવિખેર થઈ જશે.
જંગલોની અંદર સ્થિત ઝૂ (પ્રાણી સંગ્રહાલય)ને હવે બિનજંગલ પ્રવૃત્તિ ગણવામાં નહીં આવે, એમ પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું. આ પગલાથી આવી ઝૂને અનેક પરવાનગીઓ અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ હેઠળ લેવી પડતી વન્ય મંજૂરીથી મુક્તિ મળશે. અગાઉ ભારતની સેન્ટ્રલ ઝૂ અૉથોરિટીએ પર્યાવરણ મંત્રાલયને જણાવ્યું હતું કે ઝૂને બિન જંગલ પ્રવૃત્તિ તરીકે ગણાવાથી વિવિધ એજન્સીઓ હેઠળ અનેક પરવાનગીઓ લેવી પડશે.
ઝૂની સ્થાપના અને તેના વૈજ્ઞાનિક પ્રબંધન માટે 2009ની માર્ગદર્શિકા હેઠળ સત્તાવાળાઓની પૂર્વ મંજૂરી વિના કોઈ નવી ઝૂની યોજના ઘડી શકાશે નહિ, મંજૂર કરી શકાશે નહીં કે બાંધી શકાશે નહિ એમ ઝૂ અૉથોરિટીએ જણાવ્યું હતું. આ રજૂઆતના પ્રતિસાદમાં પર્યાવરણ મંત્રાલયે ફોરેસ્ટ (કન્ઝર્વેશન) એક્ટ 1980ની પુસ્તિકાના પેરા 12.6 અને 12.7ને હટાવી દેવામાં આવ્યા હતા, જેમાં ઝૂને એવા બચાવ કેન્દ્રો કે વન્ય જીવન સફારી તરીકે ગણવામાં આવતા હતા, જેમાં બિન જંગલ પ્રવૃત્તિ તરીકે પ્રદર્શન માટે પ્રાણીઓને રાખવામાં આવતા હતા. તેમાં કેન્દ્ર પાસેથી વનમંજૂરી ફરજિયાત હતી.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer