છેતરપિંડીના ત્રણ કેસમાં પાંચ બીલ્ડરોની આર્થિક ગુના શાખા દ્વારા ધરપકડ

મુંબઈ, તા. 19 : શહેરની આર્થિક ગુના શાખા (ઇકોનૉમિક ઓફેન્સીસ વિંગ ઇ.ઓ.ડબ્લ્યુ્)એ છેલ્લા 24 કલાકમાં રૂપિયા 28 કરોડની રકમને સંડોવતા છેતરપિંડીના અલગ અલગ ત્રણ કેસમાં પાંચ ડેવલપરોની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ બીલ્ડરોને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
આ શાખાના હાઉસિંગ યુનિટ (બે)એ શનિવારે રૂપિયા 76 લાખના છેતરપિંડીના કેસમાં રાજેશ સાવલા, અશ્વિન મિસ્ત્રી અને જયેશ રામીની ધરપકડ કરી હતી. આ કેસ આ વર્ષના એપ્રિલ મહિનામાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને ત્યારબાદ આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ ત્રણ આરોપીઓ મેસર્સ રાજ આર્કેડ્સ ઍન્ડ એન્કલેવ્સ પ્રા. લિમિટેડના ડાયરેક્ટરો હતા. આ ત્રણ આરોપીઓએ 2019માં રાજ શિવગંગામાં ફરિયાદીને રૂપિયા 76 લાખમાં ફ્લૅટ વેંચ્યો હતો. `આરોપીઓએ આ ફ્લૅટ ગીરવી રાખ્યો હતો અને બૅન્ક પાસેથી લોન લીધી હતી. ફ્લૅટ માલિકને લોનની ચૂકવણી માટે બૅન્ક તરફથી નોટિસો આવવા માંડી હતી ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ત્રણ આરોપીઓ સામે આવા જ પ્રકારની છેતરપિંડીની છ ફરિયાદો નોંધાયેલી છે અને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
એસપીઆઈ સંજય કાટે દ્વારા આ તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડથી બચવા સાવલા પોતાના ઘરમાં રહેતો ન હતો અને ચારકોપમાં ભાડાંના ફ્લૅટમાં રહેતો હતો. પોલીસ જ્યારે તેના આ ફ્લૅટ પર પહોંચી ત્યારે તે અંદરથી બંધ હતો અને સાવલા બારણું ખોલતો ન હતો. ફ્લૅટ માલિક અને સાવલાની પત્નીને બોલાવવામાં આવ્યા હતા અને સાવલાની ધરપકડ થઈ હતી. અન્ય એક કેસમાં જનરલ મિટિંગ યુનિટએ સાઈલી ડેવલપર્સના મંગેશ સાવંતની ધરપકડ કરી હતી. સાવંતે ખાનગી કંપની પાસેથી રૂપિયા 15 કરોડ લીધા હતા અને તેને તે 1.25 લાખ ચોરસ ફૂટની જગ્યા આપવાનો હતો. પરંતુ કોઈ મકાન બાંધવામાં આવ્યું ન હતું. કંપનીએ તેની સામે એફઆઈઆર નોંધી હતી.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer