ક્રોસ વોટિંગ નહીં થાય, `આઘાડી''માં ફાટફૂટ નથી એ દાખવીશું : ઉદ્ધવ ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની દસ બેઠકો માટે આવતી કાલે યોજાનારી ચૂંટણીમાં ક્રોસ વોટિંગની સંભાવના નકારીને શિવસેનાના વડા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે અમારા પક્ષની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીમાં કોઈ ફાટફૂટ નથી તે અમે દેખાડશું.
શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેએ કહેતા જે માતાનું દૂધ વેચે એવા નરાધમની પક્ષમાં જરૂર નથી. અનેક લોકોએ શિવસેનાના વિસ્તાર માટે કામ કર્યું પણ ભોગવ્યું નથી. આજે આપણે ભોગવી રહ્યા છીએ. એમ શિવસેનાના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
શિવસેનાના 56મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે માત્ર ઉદ્ધવ ઠાકરેની કિંમત નથી. બાળ ઠાકરેનું નામ સાથે છે તેથી તમારો પ્રેમ મળે છે. પડકારો આવે છે અને જાય છે. કટોકટી આવી ત્યારે પણ શિવસેના ઉપર પણ સંકટ હતું. તે સમયે સાહસ દેખાડયું એ આપણો કાયમી સ્વભાવ છે. શિવસેનાની સ્થાપના ભૂમિપુત્ર માટે થઈ છે. જે સમયે હિન્દુત્વ ઉપર બોલનાર કોઈ નહોતું. ત્યારે શિવસેનાએ હિન્દુત્વનો અવાજ બુલંદ કર્યો હતો.
કેન્દ્રની અગ્નિપથ યોજના વિશે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે આ યોજનાના કારણે યુવાનો રસ્તા ઉપર આવ્યા છે. હૃદયમાં રામ અને હાથને કામ તે જ ચિત્ર આજે દેશમાં છે. કામ ન હોય તો બીજી બાબતોની કોઈ અર્થ નથી. નોટબંધી સમયે કોઈએ વિરોધ કર્યો નહોતો. ખેડૂતો વિશેના કાયદાનો જોરદાર વિરોધ થયો પછી કેન્દ્રમાંની ભાજપ સરકારને પીછે હઠ કરવી પડી હતી. અગ્નિવીરની યોજના અચાનક લાવવામાં આવી છે. પણ તેમાં શીખવશો શું? ચાર વર્ષ પછી નોકરી નહીં રહે ભાડાંના સૈનિકો રાખીને કાઢો ટેન્ડર તમે જ પછી બધું વાપરો અને ફેંકો દો. તેથી લોકો રોષ ન ભરાય તો શું થાય? તમને મત મળ્યા એટલે એક નીતિ ઘડાવી જોઈએ. આગામી ચૂંટણીમાં અમારામાં ફાટફૂટ પડશે નહીં એ અમારે દેખાડયું છે.
ભાજપનું નામ લીધા વિના ઉદ્ધવે જણાવ્યું કે તમારી સત્તાનો મદ મહારાષ્ટ્રમાં ચાલશે નહીં પ્રત્યેકનો વિકલ્પ હોય છે. શેરને માથે સવા શેર હોય જ છે. મહારાષ્ટ્ર સળગતું નથી, પરંતુ સળગે ત્યારે સામે હોય તેને બાળી નાખે છે. વિધાન પરિષદની ચૂંટણીમાં વરિષ્ઠ નેતાઓ સુભાષ દેસાઈ અને દિવાકર રાવતેને પુન: ઉમેદવાર નકારવામાં આવી તે અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ બંને શિવસેનાની પહેલી પેઢીના નેતાઓ છે. આ બંનેને મેં જે જવાબદારી સોંપી તે તેમણે ઉત્તમ રીતે પાર પાડી છે. તેઓ બંને ઉંમરમાં મોટા છે પણ મારી વાત આદેશ માનીને પાળે છે. શિવસેનાને બંનેની જરૂર છે. એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer