શિવસેનાના વિધાનસભ્યો સાથી પક્ષોના ઉમેદવારોને મત આપવા ઉત્સુક નથી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના વિધાનસભ્યોએ સાથી પક્ષોના ઉમેદવારોને મત ટ્રાન્સફર કરવા ઉત્સુક નહીં હોવાથી મહાવિકાસ આઘાડીના ઉમેદવારો કેટલા સફળ થશે તે જોવાનું છે. વિધાન પરિષદની ચૂંટણી માટે આવતી કાલે મતદાન હોવાથી ચારેય મહત્ત્વના રાજકીય પક્ષોએ તેઓના વિધાનસભ્યોને મુંબઈની ચાર પૉશ હૉટલોમાં ઉતારો આપ્યો છે. આજે  આખોય દિવસ `આઘાડી'ના અને ભાજપના ટોચના નેતાઓએ આપસમાં આવતી કાલના મતદાન માટેના વ્યૂહ અંગે ચર્ચાવિચારણા કરી હતી. ઉપરાંત રાજકીય પક્ષોએ વિધાનસભ્યો માટે મતપેટી રાખીને મતદાનની આખીય પ્રક્રિયા સમજાવી હતી. કૉંગ્રેસ અને ભાજપએ વિધાનસભામાં પોતાના સંખ્યાબળ કરતા વધારે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેથી આ બે પક્ષોને બધા ઉમેદવાર જીતાડવા ક્રોસ વોટિંગ ઉપર, તેમ જ નાના પક્ષો અને અપક્ષો ઉપર આધાર રાખવો પડશે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સભ્યોને ટ્રાયડન્ટ હૉટલમાં, ભાજપના સભ્યોને પ્રેસીડન્ટ હૉટલમાં, કૉંગ્રેસના સભ્યોને હૉટલ ફોર્થ સિઝનમાં અને શિવસેનાના સભ્યોને વેસ્ટર્ન ઇન હૉટલમાં રાખવામાં આવ્યા છે.
શિવસેનાના નેતાએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં જે પ્રમાણે ફિયાસ્કો થયો તેનું પુનરાવર્તન થાય નહીં એ માટે જરાય શિથિલતા દેખાડવા માગતા નથી.
આ ચૂંટણીમાં ભાજપે વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, રામ શિંદે, ઉમા ખાપરે અને શ્રીકાંત ભારતીયને મેદાનમાં ઉતાર્યા છે. મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો- શિવસેનાએ કામદાર નેતા સચીન આહીર અને અમાશા પાડવીને કૉંગ્રેસએ ભૂતપૂર્વપ્રધાન ચંદ્રકાંત હંડોરે અને કામદાર નેતા ભાઈ જગતાપને તેમજ રાષ્ટ્રવાદીએ ભૂતપૂર્વપ્રધાન એકનાથ ખડસે અને વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજે નીમ્બાળકરને ઉમેદવારી આપી છે.
વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજે નીમ્બાળકર, સંજય દૌંડ (બંને રાષ્ટ્રવાદી), પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, સુજિત સિંહ ઠાકુર (બધા ભાજપ), મરાઠા નેતા વિનાયક મેટે, ભૂતપૂર્વપ્રધાન સદાભાઉ ખોત (ભાજપના સાથી પક્ષોના સભ્યો) સુભાષ દેસાઈ અને દિવાકર રાવતે (બંને શિવસેના)ની મુદત પૂરી થવાને કારણે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપના વિધાન પરિષદના સભ્ય આર.એન. સિંહના નિધનને કારણે ખાલી પડેલી બેઠક માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer