રૂા. 1,500 કરોડના ખર્ચે ભાયખલાના બદલે વરલીમાં બનશે એક્વેરિયમ

મુંબઈ, તા. 19 : મુંબઈ મહાનગર પાલિકાએ વરલીમાં 15 એકર જગ્યા ઉપર માછલી ઘર બનાવવાનો નિર્ણય લીધો છે. આ એકવેરિયમ અગાઉ ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં બનાવવાની પાલિકાની યોજના હતી. પરંતુ આ યોજનાને પડતી મૂકીને દક્ષિણ મુંબઈમાં મોકાની કહેવાતી 14.5 એકરની વરલી ડેરીની જગ્યા ઉપર રાજ્ય સરકારે મરીન રિસર્ચ સેન્ટર અને વૈશ્ચિક સ્તરનું એકવેરિયમ(મત્સ્યાલય, માછલી ઘર) અને એકિઝબિશન સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. આ એકવેરિયમ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ.1,500 કરોડ છે. મુંબઈ પાલિકાના કોસ્ટલ રોડ બાદ તેનો આ બીજો સૌથી મોટો પ્રકલ્પ હશે. 
રાણીબાગમાં પેંગ્વિન કક્ષમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનું એકવેરિયમ ઉભુ કરવા પાલિકાએ ટેન્ડર મંગાવ્યા હતા. આગામી વર્ષમાં એકવેરિયમના બાંધકામની શરૂઆત થવાની હતી. જો કે હવે આ ટેન્ડરો રદ કરવામાં આવ્યા છે. ચર્નીરોડ ઉપર તારાપોર એકવારિયમ છે અને વધુ એક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું એકવેરિયમ વરલી દૂધ ડેરીની જગ્યામાં બનશે. આ બે એકવેરિયમ બાદ વધુ એક એકવેરિયમ સામે વિરોધ નોંધાયો હતો. તેથી વધુ વિવાદ થાય તે પહેલાં જ સરકારે નિર્ણય બદલીને વરલીમાં જ નવુ મત્સ્યાલય બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. પાલિકાના રૂ.1,500 કરોડના ખર્ચે પ્રસ્તાવિત અત્યાધુનિક માછલી ઘરનો વિરોધ થવાની શકયતા છે. 

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer