બોરીવલીની ઇમારતમાં આગ : 11 જણને બચાવી લેવાયા

મુંબઈ, તા. 19 (પીટીઆઇ) : ઉત્તર મુંબઈની રહેવાસી ઇમારતમાં શનિવારે રાતે આગ લાગી હતી. અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી 11 જણને સુરક્ષિત બચાવી લેવાયા હતા અને દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી. અધિકારી અનુસાર અગ્નિશમન દળને રાતે લગભગ 12.25 વાગ્યે બોરીવલીની ધીરજ સવેરા ઇમારતમાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. નિયંત્રણ કક્ષના અધિકારી અનુસાર આ આગ ઇમારતના 14મા માળે આવેલા બે ફલેટમાં લાગી હતી અને ગભરાઇ ગયેલા લોકો 15મા માળે પહોંચી ગયા હતા. અગ્નિશમન દળના સાત વાહનો, આઠ જંબો ટેન્કર, એમ્બ્યુલન્સ અને અન્ય સહાયતા ઘટનાસ્થળે મોકલી દેવાઇ હતી. 
ત્રણ મહિલાઓ અને આઠ અન્ય નાગરિકોને ઇમારતમાંથી સુરક્ષિત બચાવી લેવાયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી. આ આગ ઉપર સવારે 6.30 વાગ્યે કાબૂ મેળવી લેવાયો હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer