788માંથી ફક્ત 128 રસ્તાનું સમારકામ થયું

રસ્તાના સમારકામ પર હવે સીસીટીવી કૅમેરાની નજર
મુંબઈ, તા. 19 : ગયા વર્ષથી ચાલી રહેલા અને આ વર્ષે હાથ ધરવામાં આવેલા 788માંથી ફક્ત 128 રસ્તાના સમારકામનું કામ મહાપાલિકાના રસ્તા વિભાગે પૂરું ર્ક્યું છે. 423 રસ્તાનું સમારકામ અધૂરું છે અને બાકીનું કામ હવે ચોમાસા પછી જ હાથ ધરવામાં આવશે. જ્યારે બાકીના 218 રસ્તાના સમારકામનો આરંભ ચોમાસા બાદ કરવામાં આવશે. નાળા સફાઈના કામની જેમ જ હવે રસ્તા સમારકામના કામ પર પ્રાયોગિક ધોરણે સીસીટીવી કૅમેરા દ્વારા નજર રાખવાનો નિર્ણય રસ્તા વિભાગે લીધો છે. 
મુંબઈ મહાપાલિકાની મુદત પૂરી થયા પહેલાં પ્રશાસને રસ્તાના સમારકામ માટેના 2200 કરોડ રૂપિયાના પ્રસ્તાવ ઉતાવળે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ ર્ક્યા હતા. સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી, પરંતુ એમાંથી મોટાભાગના રસ્તાના કામ એપ્રિલ મહિનો શરૂ થવા છતાં શરૂ થઈ શક્યા નહોતા. આ વર્ષે 505 રસ્તાના કામ હાથ ધરવામાં આવ્યા હતા. કુલ 788 રસ્તાના કામ હાલમાં ચાલી રહ્યા છે. જોકે, ચોમાસામાં આ કામ બંધ કરવા પડે છે. અત્યાર સુધીમાં 128 રસ્તાના કામ પૂર્ણ થયા છે અને 435 રસ્તાના કામ ચાલી રહ્યા છે. એમાંથી 423 રસ્તાના કામ સુરક્ષિત સ્થિતિમાં લાવીને અટકાવવામાં આવ્યા છે. તો 218 રસ્તાના કામ ચોમાસા બાદ હાથ ધરવામાં આવશે. આ કામ પૂર્ણ થવા માટે દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer