ઘોર કળયુગ : દીકરીએ સગાઈ તોડી તો માતા જમાઈ જોડે પરણી

ભાર્ગવ પરીખ તરફથી 
અમદાવાદ, તા. 19 : `તમે મારી મા ને ના પડી હતી કે આ છોકરો સારો નથી, હું સગાઇ તોડી નાખું છું, મારી માતા એ પહેલા હા પાડી અને પછી એની સાથે જ પરણી ગઈ, ચાર વર્ષ એની સાથે રહ્યા પછી હવે પસ્તાય તો અમારો શું વાંક? આ શબ્દો છે બાવીસ વર્ષ ની અનિતાના પાલનપુર નજીક આવેલા એક ગામમાં રહેતી અનિતાના પિતાનું 20 વર્ષ પહેલા અવસાન થયું હતું, એની માતા અને દાદીએ ખેતીકામ અને પશુપાલન કરી એને મોટી કરી. પાલનપુરમાં કોલેજમાં ભણવાની સાથે નોકરી કરી રહેલી અનિતાને બે બહેન અને એક નાનો ભાઈ છે, ચાર વર્ષ પહેલા એ 18 વર્ષની થઇ ત્યારે માતાના કહેવા પ્રમાણે સમાજના રીતરિવાજ પ્રમાણે અનિતાની સગાઇ નજીકના ગામમાં રહેતા એનાથી આઠ વર્ષ મોટા સંજય સાથે થઇ હતી. સગાઇના ત્રણ મહિનામાં સંજયે પોતાનું પોત પ્રકાશ્યું, અને અનિતાને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો, એ કોલેજ જાય તો એના પર શંકા કરતો. ઘણીવાર કોલેજ બહાર ઝઘડા કરતો એટલે કંટાળીને અનિતાએ સંજય સાથેની સગાઇ તોડી નાખવાનું નક્કી કર્યું. એને એની માતા અને દાદીને વાત કરી તો એ લોકોએ સગાઇ તોડવાની હા પાડી. 
સગાઇ તૂટી ગયા પછી સંજય અને અનિતાની માતા રેખાબહેન વચ્ચે ફોન પર વાત થઇ હતી, એક દિવસ એની 46 વર્ષની વિધવા માતા ત્રણ બાળકોને મૂકી સંજય સાથે ભાગી ગઈ, મંદિરમાં ફુલહાર કરીને પોતાનાથી 16 વર્ષ નાના ભૂતપૂર્વ જમાઈ સંજય સાથે લગ્ન કરી લીધા. 
ચાર વર્ષ સુધી બાળકોને ભગવાન ભરોસે છોડી એ જમાઈ સંજય સાથે રહેતી હતી, સંજયે લગ્નના ચાર વર્ષ પછી એને માર મારવાનો શરૂ કર્યો, છેવટે પતિના મારથી કંટાળીને રેખાબહેને અભયમમાં ફોન કર્યો. અભયમના કાઉન્સિલર લક્ષ્મીબહેન સોલંકી મહિલા પોલીસ અધિકારી શિલ્પાબહેન સાથે ત્યાં પહોંચ્યા, અને પાંચ કલાકની મહેનત પછી મા-દીકરી વચ્ચે સમાધાન કરાવ્યું. 
અભિયમના કાઉન્સિલર લક્ષ્મીબહેને `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, પહેલા અમને સામાન્ય ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ લાગ્યો, પણ ત્યાં ગયા બાદ ખબર પડી કે જેની સાથે દીકરીએ સગાઇ તોડી નાખી હતી એની સાથે છોકરીની માતાએ પોતાનાથી 16 વર્ષ નાના યુવક સાથે મંદિરમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી આ મહિલા વિધવા હતી એટલે એના ચારિત્ર્ય પર શંકા કરી માર મારતો, કે જો તું દીકરીના થનારા પતિ સાથે પરણે તો તારે બીજા પુરુષ સાથે સંબંધ હોવા જોઈએ. લગ્ન પણ કાયદેસરના નહોતા, બીજી બાજુ દીકરી અને ઘરના બીજા કુટુંબીઓ એને અપનાવવા તૈયાર ન હતા, છેવટે એમના સમાજના આગેવાનોને ભેગા કરી દીકરી અને માતા વચ્ચે સમાધાન કરાવી ઘરે મોકલ્યા છે. 

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer