કોરોનાના નવા 12,899 સંક્રમિતો સામે 16,666 સાજા

નવી દિલ્હી, તા. 19 : ભારતમાં ગતિભેર વકરવા માંડેલા કોરોનાએ નવેસરથી ઉચાટ ફેલાવ્યો છે, ત્યારે રવિવારે લાંબા સમયગાળા બાદ નવા દર્દી કરતાં વધુ સંખ્યામાં દર્દી સાજા થયા હતા. દેશમાં આજે 12,899 નવા દર્દી ઉમેરાયા હતા, જેની સામે 16 હજારથી વધુ દર્દી સંક્રમણમુક્ત થયા હતા. કુલ દર્દીની સંખ્યા 4,32,96,692 થઈ ગઈ છે, તો આજે કેરળમાં સાત, દિલ્હીમાં ત્રણ સહિત દેશમાં વધુ 15 દર્દીની જીવનરેખા કોરોનાએ ટૂંકાવતાં  કુલ 5,24,855 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે. આજે 4366 કેસના વધારા બાદ સારવાર હેઠળ છે તેવા સંક્રમિતોની સંખ્યા વધીને 70 હજારને પાર 72,474 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમ્યાન, વધુ 16,666 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ 4,26,99,363 દર્દી સાજા થઈ ચૂક્યા છે. સક્રિય કેસોનું પ્રમાણ 0.17 ટકા, રિકવરી રેટ 98.62 ટકા છે. સંક્રમણનો દૈનિક દર વધીને 2.89 ટકા થઈ ગયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશભરમાં 196.14 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer