મુંબઈ, તા. 19 : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝે અને અન્યો સામે કરવામાં આવેલી તપાસમાંના એક કેસમાં ખાનગી કૉન્ટ્રેક્ટર સ્વસ્તિક કન્સ્ટ્રક્શનને અપાયેલા કૉન્ટ્રેક્ટની વિગતો સીબીઆઈએ પાલિકા પાસેથી માગી છે.
સીબીઆઈ આ કેસમાં કોઈ રાજકીય નેતા તો સંડોવાયેલો નથી ને તેની પણ તપાસ કરી રહી છે.
શરૂઆતમાં તેમની સામે આ કેસ વિવાદાસ્પદ વેપારી બિમલ અગ્રવાલ દ્વારા ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પરમબીર સિંહ સામે નોંધાયેલા અન્ય કેસોની સાથે સુપ્રીમ કોર્ટના આદેશથી સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં અગ્રવાલે એવો આરોપ મૂક્યો હતો કે તે વાઝેને બે દાયકાથી જાણતો હતો ગયા વર્ષે વાઝેએ અગ્રવાલને ખંડણી માટે બીએમસીના કૉન્ટ્રેક્ટરો વિષે પૂછયું હતું. અગ્રવાલે એવો દાવો કર્યો હતો કે વાઝે સાથેની વાતચીત દરમિયાન એણે તેને પૂછયું હતું કે અગાઉ તો તે હોટલો અને બુકીઓ પર ખંડણી માટે ધ્યાન આપતો હતો. અચાનક બીએમસીના કૉન્ટ્રેક્ટરો પર તેનું ધ્યાન કેમ ગયું હતું ત્યારે વાઝેએ એવો જવાબ આપ્યો હતો કે તે તેના બોસ (તત્કાલીન પોલીસ કમિશનર)ની મંજૂરીથી આમ કરતો હતો.
વાઝેએ સ્વસ્તિક કન્સ્ટ્રક્શન અને તેના માલિકો પ્રિતેશ ગોદાણી તેમ જ સંજય હિરાની વિષે અગ્રવાલને પૂછયું હતું. વાઝેની વિનંતીથી અગ્રવાલે સ્વસ્તિક કન્સ્ટ્રક્શન સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની નકલનો બંદોબસ્ત કરી આપ્યો હતો. સ્વસ્તિક કન્સ્ટ્રક્શન સામે બીએમસી અને પોલીસમાં અલ્લારખા નામના શખ્સે ફરિયાદ કરી હતી.
ગુરુવારે સીબીઆઈએ આ ફરિયાદ અને તેના પરિણામની સર્ટિફાઇડ નકલ આપવા બીએમસીને જણાવ્યું હતું.
Published on: Mon, 20 Jun 2022
વાઝે કેસ : ખાનગી કૉન્ટ્રેક્ટરના કૉન્ટ્રેક્ટની વિગતો સીબીઆઈએ પાલિકા પાસે માગી
