શંકા ન હોય એવા કેસમાં એફઆઇઆર નોંધવાનો પોલીસ કમિશનરનો નિર્દેશ

શંકા ન હોય એવા કેસમાં એફઆઇઆર નોંધવાનો પોલીસ કમિશનરનો નિર્દેશ
પોક્સો એફઆઇઆર સર્ક્યુલરમાં ફેરફાર
મુંબઈ, તા. 19 : વિનયભંગ અથવા પ્રોટેકશન અૉફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સિસ (પોક્સો) હેઠળના ગુનાઓ ઝોનલ ડીસીપીની પરવાનગી વગર નહીં નોંધવાના મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેના નિર્દેશનો સાથેનો સર્ક્યુલરની ટીકા થયા બાદ પોલીસ કમિશનરે પોતાના નિર્દેશનોમાં અમુક સુધારા કર્યા છે અને જે કેસમાં કોઇ ખોટું થઇ રહ્યું હોવાની શંકા ન આવતી હોય તેવા કેસમાં તાત્કાલિક એફઆઇઆર નોંધવાનો પોલીસને નિર્દેશ કર્યો હતો. 
શુક્રવારે રજૂ કરાયેલા સુધારિત નિર્દેશનોમાં જણાવાયું હતું કે, અમુક વખતે પોલીસ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવતી હોય છે કે પોક્સો એક્ટ હેઠળ અથવા વિનયભંગના ગુનાઓ મિલકત સંબંધિત અથવા નાણાકીય વિવાદ અથવા વ્યક્તિગત દુશ્મનાવટને કારણે નોંધાવવામાં આવતા હોય છે. 
આવા કેસમાં વિરષ્ઠ પોલીસ અધિકારીએ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનરના નિર્દેશન પ્રમાણે ફરિયાદ નોંધવી જોઇએ, એમ નવા આદેશમાં જણાવાયું છે. 
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે સ્ટેશન ડાયરી રાખવી જોઇએ, જેમાં તેમને કોની સાથે ચર્ચા કરી જેની માહિતી રાખવી જોઇએ. સુપ્રીમ કોર્ટના લલિતા કુમારી કેસના આદેશને ધ્યાનમાં રાખીને એસીપી અને ડીસીપીએ એફઆઇઆર નોંધવી જોઇએ. આવા કેસમાં કોઇની પણ ધરપકડ કરવા પહેલા એસીપીની પરવાનગી લેવાની રહેશે અને ઝોનલ ડીસીપીએ આવા કેસમાં વ્યક્તિગત રીતે ધ્યાન આપવાનું રહેશે, એમ તેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું. 
મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ છઠ્ઠી જૂને વિનયભંગ અથવા પ્રોટેકશન અૉફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સિસ (પોક્સો) હેઠળના ગુનાઓ ઝોનલ ડીસીપીની પરવાનગી વગર નહીં નોંધવાનો સર્ક્યુલર બહાર પાડયો હતો, પરંતુ બાળ અધિકાર સંરક્ષણ માટેના રાષ્ટ્રીય પંચે આ સામે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, તેને કારણે શારીરિક સતામણીના ભોગ બનેલા પિડીતોના અધિકારનો ભંગ થાય છે. ત્યારબાદ પાંડેએ તેમના નિર્દેશનોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે, એમ કહ્યું હતું.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer