મુંબઈના સ્ટેશનોની બહાર હવે રેલવે ટ્રાફિક પોલીસ

મુંબઈના સ્ટેશનોની બહાર હવે રેલવે ટ્રાફિક પોલીસ
મુંબઈ, તા. 19 : મુંબઈમાં રેલવે ટ્રાફિક પોલીસ એકમ શરૂ કરવામાં આવ્યું છે. એનું મુખ્ય મથક દાદરમાં છે. જીઆરપીના ઈન્સપેક્ટર પ્રદીપ ખેડકરે તાજેતરમાં આ માહિતી આપી હતી. રેલવે ટ્રાફિક પોલીસનો યુનિફૉર્મ મુંબઈ ટ્રાફિક પોલીસ જેવો જ છે, ફક્ત રેલવે ટ્રાફિક પોલીસની કેપ પર `મુંબઈ રેલવે' લખ્યું છે. મુંબઈ અને આસપાસના તમામ ટર્મિનસ પર રેલવે ટ્રાફિક પોલીસ ઉપસ્થિત રહેશે.
રેલવે ટ્રાફિક યુનિટમાં કુલ 62 જણની ભરતી થઈ છે, જેમાં 59 કૉન્સ્ટેબલ, એક ઈન્સપેક્ટર અને બે સબઈન્સપેક્ટર છે. તેઓ દિવસ-રાતની શિફ્ટમાં ફરજ બજાવશે. મુંબઈમાં સીએસએમટી, મુંબઈ સેન્ટ્રલ, બાન્દ્રા અને કુર્લામાં ટર્મિનસ છે. કલ્યાણમાં પણ ઘણી મેલ ટ્રેનો ઊભી રહે છે. રેલવે ટ્રાફિક પોલીસ રેલવે ટર્મિનસની બહાર રેલવે પોલીસના અખત્યારમાં આવતી સીમા સુધી ફરજ બજાવશે. 
મેલ ટ્રેનના પ્રવાસીઓને કારણે ટેક્સી અને રિક્ષાઓ ટર્મિનસની બહાર ઊભી હોય છે.  આથી ઘણીવાર ત્યાં ટ્રાફિકજામ થતો હોય છે. ટેક્સીચાલકો દાદાગીરી પણ કરતા હોય છે. ઘણીવાર જ્યુરિડિક્શન કોનું છે, એ અંગે ગૂંચવણ હોવાને કારણે ટર્મિનસની બહાર મુંબઈ પોલીસના ટ્રાફિક પોલીસ પણ હોતા નથી. આથી રેલવે પોલીસ કમિશનરે મુંબઈ અને આસપાસના તમામ ટર્મિનસની બહાર બંદોબસ્ત માટે રેલવે ટ્રાફિક પોલીસ યુનિટ બનાવવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2015 સુધી રેલવે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા હતી, પરંતુ બાદમાં એ બંધ કરવામાં આવી હોવાનું પ્રદીપ ખેડકરે જણાવ્યું હતું.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer