હીરાબાએ ઉછેર્યા એ મોદીના મિત્ર અબ્બાસભાઈ અૉસ્ટ્રેલિયામાં છે

હીરાબાએ ઉછેર્યા એ મોદીના મિત્ર અબ્બાસભાઈ અૉસ્ટ્રેલિયામાં છે
નવી દિલ્હી, તા 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ મિત્ર અંગે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે આ ચર્ચા શરૂ થવાનું કારણ છે મોદીનો એક બ્લૉગ. હીરાબાના સોમી વરસગાંઠ નિમિત્તે વડા પ્રધાને તેમના બ્લૉગમાં અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે બાળપણમાં અબ્બાસ અમારા ઘરે રહીને જ ભણ્યો હતો. અમારી સાથે બા અબ્બાસનું પણ ધ્યાન રાખતાં. ઈદના દિવસે બા અબ્બાસની પસંદગીની મીઠાઈ બનાવતાં.
વડા પ્રધાન મોદીએ બ્લૉગમાં તેમના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો એ હાલ અૉસ્ટ્રેલિયાના સિડનીમાં તેમના નાના પુત્ર સાથે રહે છે. તેમના બે દીકરા છે નાનો અૉસ્ટ્રેલિયામાં છે તો મોટો દીકરો ગુજરાતમાં તેમના ગામ કસીમ્પા ખાતે રહે છે. અબ્બાસ ભાઈ સરકારમાં ક્લાસ-2 કર્મચારી તરીકે ફૂડ એન્ડ સપ્લાય વિભાગમાં કામ કરતા હતા થોડા મહિના પહેલા જ તેઓ નિવૃત્ત થયા છે.
વડા પ્રધાને અબ્બાસનો ઉલ્લેખ કરતા તેમના બ્લૉગમાં લખ્યું હતું કે, બા હંમેશા અન્યોને ખુશ જોઈ ખુશ રહેતાં હતાં. ઘર ભલે નાનુ હતું પણ હૃદય વિશાળ હતું. એ સાથે તેમણે ઉમેર્યું કે, અમારી બાજુના ગામમાં પિતાના અંગત મુસ્લિમ મિત્ર હતા અને તેમનો દીકરો એટલે અબ્બાસ. પિતાજીના મિત્રનું અકાળે અવસાન થતાં અબ્બાસને અમારા ઘરે લઈ આવ્યા. અમારી સાથે બા અબ્બાસની પણ દેખભાળ કરતાં વડા પ્રધાને બ્લૉગમાં લખ્યું હતું કે, અમારા ઘર પાસે જ્યારે પણ કોઈ સાધુ-સંત આવતા ત્યારે તેમને ઘરે બોલાવી ભોજન કરાવતાં અને તેઓ જ્યારે પાછા જતા ત્યારે બા સાધુ-સંતોને કહેતા કે મારા સંતાનોને આશીર્વાદ આપો જેથી તેઓ બીજાના સુખમાં સુખ જુએ અને અન્યોના દુખથી દુખી થાય. 

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer