મોદીએ પાંચસો વર્ષ બાદ મહાકાળી શક્તિપીઠ પર લહેરાવી ધજા

મોદીએ પાંચસો વર્ષ બાદ મહાકાળી શક્તિપીઠ પર લહેરાવી ધજા
કેદારનાથ, વિશ્વનાથ, અયોધ્યા અને હવે પાવાગઢ
પાવાગઢ, તા. 19 : 1990ના દાયકામાં રામ મંદિર આંદોલન દરમિયાન લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાના સારથી રહેલા નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં વડા પ્રધાન બન્યા બાદ ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવને પુન:સ્થાપિત કરવાની દિશામાં મજબૂત પગરવ માંડયા છે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે દેવાધિદેવ સોમનાથના મંદિર પરિસરનો વિકાસ કર્યો અને વડા પ્રધાન બન્યા બાદ બાબા કેદારનાથ ધામના વિહંગમ સ્વરૂપને અને કાશી વિશ્વનાથ ધામને અનેરી ભવ્યતા આપી. શનિવારે મોદીએ પાવાગઢમાં મહાકાળી શક્તિપીઠના પુનરુદ્ધાર બાદનાં શિખરબંધ મંદિર પર પાંચસો વર્ષ બાદ ધ્વજા લહેરાવી શક્તિ આરાધનાનું નવું સોપાન આલેખ્યું. 
મોદીએ આ પ્રસંગે ગુજરાતની ધરતી પર મહાકાળી શક્તિપીઠના શિખર પર ધ્વજા લહેરાવી અયોધ્યામાં રામ મંદિર, કાશી, કેદાર ધામની યાદ અપાવવા સાથે દેશવાસીઓને સંદેશો આપતાં કહ્યું હતું કે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ પુન:સ્થાપિત થઇ રહ્યું છે. નવું ભારત આધુનિક આકાંક્ષાઓ સાથે પોતાની પ્રાચીન ઓળખ પણ જીવી રહ્યું છે, એ ધરોહર પર ગૌરવનો અનુભવ કરી રહ્યું છે. 
મોદીએ પોતાના મનની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે પાંચસો વર્ષ અને દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષ વીતી જવા છતાં મહાકાલી શક્તિપીઠના શિખર પર ધ્વજા નહોતી ફરકતી. આજે આ શક્તિપીઠમાં ધ્વજા ફરકાવવાનું સૌભાગ્ય  મને મળ્યું છે. આ ક્ષણ આપણને પ્રેરણા અને ઊર્જા આપે છે અને આપણી મહાન સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે સમર્પિત રહેવા પ્રેરિત કરે છે. સપનું જ્યારે સંકલ્પ બને અને એ સંકલ્પ સિદ્ધ થાય ત્યારની ક્ષણો અંતર્મનને વિશેષ આનંદથી ભરપૂર હોય છે. જન ભાવનાઓ સાથે પોતાને જોડતા વડા પ્રધાને કહ્યું હતું કે પાંચ સદીઓ બાદ આજે ફરીથી પાવાગઢ શક્તિપીઠના શિખર પર ધ્વજા લહેરાઇ રહી છે. આ શિખર ધ્વજ માત્ર આપણી આસ્થા અને આધ્યાત્મિકતાનું જ પ્રતીક નથી, એ સંદેશો પણ આપે છે કે સદીઓ અને યુગ બદલાય છે પરંતુ આસ્થાનું શિખર શાશ્વત રહે છે.
મોદી વર્ષ 2002થી 2014 સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ બાર વર્ષમાં એકવાર પણ મહાકાળી માતાનાં દર્શને નહોતા આવ્યા. આ મંદિરનું શિખર ખંડિત હતું એટલે ત્યાં ધ્વજા નહોતી લહેરાતી. હવે મંદિરનું પુન:નિર્માણ કરાયું છે અને મહાકાળી માતાનું ભવ્ય શિખરબંધ મંદિર તૈયાર છે. અયોધ્યાના રામ મંદિરની જેમ મહાકાળી શક્તિપીઠનો ઇતિહાસ પણ મુસ્લિમ શાસકોના આક્રમણથી ખરડાયેલો છે. વર્ષ 1540માં સુલતાન મહંમદે જૂનાગઢ અને પાવાગઢ જીતીને બેગડાનું બિરુદ મેળવ્યું ત્યારે મહાકાળી શક્તિપીઠના શિખરને ખંડિત કર્યું હતું. શિખર ખંડિત કરીને મોહંમદ બેગડાએ ત્યાં સદનશાહ પીરની દરગાહ બનાવી હતી. પાવાગઢની આ શક્તિપીઠ વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ છે. વર્ષ 2017માં મંદિરના પુન:નિર્માણનું કાર્ય શરૂ થયું હતું અને સાડા ચાર વર્ષમાં સવાસો કરોડ રૂપિયાના ખર્ચે મંદિરને ભવ્યતા આપવામાં આવી છે અને પાવાગઢ પહાડ પર સ્થિત 11મી સદીમાં બંધાયેલા આ મંદિરના શિખરને ફરીથી ઉન્નત કરાયું છે. જેના પર ધ્વજા લહેરાવી વડા પ્રધાને આજે ફરીથી ખુલ્લું મૂક્યું. આ મંદિર ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાનનો હિસ્સો છે અને યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન ધરાવે છે. દર વર્ષ લાખો શ્રદ્ધાળુઓ પાવાગઢમાં મહાકાળી શક્તિપીઠમાં શીશ ઝુકાવે છે. 

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer