જંતરમંતર પર કૉંગ્રેસના દેખાવો
નવી દિલ્હી, તા. 19 : `અગ્નિપથ' યોજના સામે કોંગ્રેસે દિલ્હીમાં જંતરમંતર પર સત્યાગ્રહ શરૂ કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ યોજનાના વિરોધમાં દેખાવો સાથે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને બેરોજગારીના અગ્નિપથ પર ચાલવા મજબૂર કર્યા છે.
આઠ વરસમાં 16 કરોડ નોકરીઓ દેવાની હતી, પરંતુ યુવાનોને માત્ર પકોડા તળવાનું જ્ઞાન મળ્યું, તેવો કટાક્ષ રાહુલે કર્યો હતો.
એ જ રીતે `મોદીરાજ' પર નિશાન સાધતાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, સરકાર સામાન્ય લોકો માટે નહીં, પરંતુ મોટા-મોટા ઉદ્યોગપતિઓ માટે યોજનાઓ બનાવે છે.
સેનામાં ભરતી થવાના, દેશ માટે કંઈક કરી છૂટવાના સ્વપ્ન જોતા યુવાનો અસલી દેશભક્ત છે. યુવાનોનાં સ્વપ્ન તોડનારા નકલી રાષ્ટ્રવાદી છે, તેવા પ્રહારો પ્રિયંકાએ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, અગ્નિપથ યોજના દેશના યુવાનોને મારી નાખશે. સેનાને ખતમ કરી નાખશે. એવી સરકાર લવો જે દેશની સંપત્તિની રક્ષા કરે.
પ્રિયંકાએ યુવાનોને હિંસા, તોડફોડ રોકી, શાંતિપૂર્વક અહિંસક આંદોલનની અપીલ કરી હતી. બીજી તરફ, સચિન પાઈલટે પ્રહાર કરતાં કહ્યું હતું કે, સરકારે કોઈની વાત સાંભળવી નહીં, તેવું નક્કી કરી નાખ્યું છે.
Published on: Mon, 20 Jun 2022
યુવાનો બેરોજગારીના `અગ્નિપથ'' પર
