શ્રીનગર, તા. 19: જમ્મુ કાશ્મીરના કુપવાડા અને કુલગામમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા. જાણકારી મુજબ બે આતંકવાદી કુપવાડા અને બે આતંકવાદી કુલગામમાં માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા પ્રમાણે એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો એક આતંકવાદી તૈયબાનો સભ્ય હતો અને મૂળ પાકિસ્તાની હતો.
કાશ્મીર ઝોન પોલીસના કહેવા પ્રમાણે કુપવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ લશ્કર એ તૈયબાના સભ્ય તરીકે છે અને તે પાકિસ્તાની હતો. કાશ્મીર આઇજીના કહેવા પ્રમાણે સુરક્ષા દળો અભિયાન હેઠળ તલાશી લઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળની ટુકડી ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અલગ અલગ બે સ્થળે થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીનો ખાતમો થયો હતો. જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા પ્રમાણે કુપવાડાના લોલાબ વિસ્તારમાં છુપાયેલા એક આતંકી શૌકત અહેમદ શેખ સાથે પૂછપરછ બાદ કુપવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામમાં અથડામણ દરમિયાન જમ્મુની શાળાના શિક્ષક રજની બાલાની હત્યા કરનારા બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.
Published on: Mon, 20 Jun 2022
કાશ્મીરમાં બે એન્કાઉન્ટર : એક પાકિસ્તાની સહિત ચાર આતંકવાદી ઠાર
